અબુધાબી T-10: યુવરાજ સિંહ કરશે ધમાકો, આ ટીમ સાથે જોડાયો
ભારતનો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ટી-10 લીગમાં ધમાકો કરવા માટે તૈયાર છે. આ વિસ્ફોટક ઓલરાઉન્ડરને મરાઠા અરેબિયન્સે આઇકન ખેલાડીના રૂપમાં સામેલ કર્યો છે.
નવી દિલ્હીઃ ભારતનો પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ટી-10 લીગમાં ધમાકો કરવા માટે તૈયાર છે. આ વિસ્ફોટક ઓલરાઉન્ડરને મરાઠા અરેબિયન્સે આઇકન ખેલાડીના રૂપમાં સામેલ કર્યો છે. 14 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની સ્વીકૃતિ પ્રાપ્ત છે. જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃતી લીધા બાદ યુવરાજ સિંહની આ બીજી ફ્રેન્ચાઇઝી આધારિત સ્પર્ધા છે, જેમાં તે રમશે.
યુવરાજે 2007ના ટી20 વિશ્વ કપ અને 2011ના વનડે વિશ્વકપમાં ભારતને વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજે નિવૃતી લેવાનું એક કારણ તે પણ દર્શાવ્યું હતું કે, તે વિશ્વભરની લીગમાં રમવા ઈચ્છે છે. હાલમાં બીસીસીઆઈ એક સક્રિય ક્રિકેટરને વિદેશી લીગમાં ભાગ લેવાની મંજૂરી આપતું નથી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ યુવરાજે જુલાઈ-ઓગસ્ટમાં ગ્લોબલ ટી20 કેનેડામાં ટોરેન્ટો નેશનલ્સની આગેવાની કરી હતી. મરાઠા અરેબિયન્સે હાલમાં ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને પોતાના મુખ્ય કોચ બનાવ્યા છે. ફ્લાવર ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમનો મુખ્ય કોચ પણ રહી ચુક્યો છે.
યુવરાજે ટી10 વિશે કહ્યું, 'આ નવા ફોર્મેટનો ભાગ બનવું રોમાંચક અનુભવ સાબિત થશે. હું આ લીગમાં વિશ્વના કેટલાક મોટા નામોની સાથે સામેલ થવા અને ટીમ મરાઠા અરેબિયન્સનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સાહિ છું.
હરભજન સિંહ જેવી એક્શનથી બોલિંગ કરે છે આ યુવતી, આકાશ ચોપડાએ શેર કર્યો VIDEO
વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવો પાછલી સિઝનની જેમ આ વખતે પણ ટીમનું નેતૃત્વ કરશે. ફ્રેન્ચાઇઝીએ સિઝન માટે શ્રીલંકાના ટી20 કેપ્ટન લસિથ મલિંગા સિવાય હઝરતુલ્લાહ ઝાઝઈ અને નઝીબુલ્લાહ જાદરાનની અફઘાની જોડીને પણ રિટેન કર્યાં છે.