37નો થયો `ફાઇટર` યુવરાજ, લીધા આ શપથ
ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ક્રિકેટ સ્ટાર યુવરાજ સિંહે પોતાના જન્મદિવસના અવસરે એક શપથ લીધા છે.
નવી દિલ્હીઃ યુવરાજ સિંહ ભલે ક્રિકેટના મેદાનથી દૂર હોય પરંતુ પોતાના ફેન્સના દિલ પર હંમેશા રાજ કરે છે. તેણે જિવનમાં આવતા તમામ પડકારો પર જીત મેળવી છે. આજે તેનો 37મો જન્મદિવસ છે.
વિશ્વ કપ 2011 હોય કે વર્લ્ડ ટી20 2007, યુવરાજે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. વર્લ્ડ કપ 2011મા તો તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. ભારત માટે 304 વનડે, 58 ટી20 અને 40 ટેસ્ટ મેચ રમનાર યુવરાજનો આંતરરાષ્ટ્રીય મંચ પર ધમાકેદાર પ્રારંભ થયો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીના તે મેચમાં તેણે ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ 84 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. અહીંથી લોકોને અંદાજ આવી ગયો હતો કે આ ડાબોડી બેટ્સમેન બીજા કરતા અલગ છે અને તેનામાં કંઇક ખાસ છે.
પરંતુ વનડેમાં 8701 અને ટી20 આંતરરાષ્ટ્રીયમાં 1177 રન બનાવનાર યુવરાજ ટેસ્ટ ટીમમાં નિયમિત ન રહ્યો પરંતુ તેની મેચ વિનિંગ ક્ષમતા હંમેશા ટીમને કામ આવી છે.
ટી20 ઈન્ટરનેશનલમાં યુવરાજે 12 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2007મા ફટકારેલી આ અડધી સદીમાં સ્ટુઅર્ડ બ્રોડની એક ઓવરમાં છ સિક્સ પણ સામેલ છે.
યુવરાજ અને તેને ચાહનારા તે સમયે દુખમાં આવ્યા હતા જ્યારે તેને કેન્સર હોવાની વાત સામે આવી હતી. વિશ્વકપ 2011 બાદ તેને આ ખતરનાક બિમારી છે તે જાણવા મળ્યું હતું.
યુવાના બર્થડે પર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે તેને શુભકામના આપી- સચિને લખ્યું, જે સાહસથી જીવનમાં આવતા તમામ વિઘ્નો, તે મેદાનની અંદર હોય કે બહાર, તેમાંથી બહાર નિકળે છે તે મહાન છે. તને જન્મદિવસની શુભકામનાઓ.