વીરૂની સાથે હવે T10 લીગમાં રમશે ઝહીર ખાન અને આરપી સિંહ
ટી10 લીગ 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે શારજાહમાં રમાશે.
નવી દિલ્હીઃ ભારતના સફળ ફાસ્ટ બોલરોમાં સામેલ ઝહીર ખાન અને આરપી સિંહ 21 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બીજી ટી10 લીગ રમવા માટે કરાર કરી લીધો છે.
ઝહીર ખાન અને આરપી સિવાય પ્રવીણ કુમાર, એસ બદ્રીનાથ, રીતિંદર સિંહ સોઢી પણ આ લીગમાં રમશે. આયોજકોએ આજે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.
વિશ્વ કપ 2011 વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા ઝહીર ખાને તમામ ફોર્મેટમાં મળીને 600થી વધુ વિકેટ ઝડપી છે.
ગત મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેનાર આરપી દક્ષિણ આફ્રિકામાં 2007માં રમાયેલા પ્રથમ ટી-20 વિશ્વકપની ટીમમાં હતો. તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર બીજો બોલર હતો. બદ્રીનાથની ગણતા સૌથી સફળ પ્રથમ શ્રેણીના ક્રિકેટરોમાં થાય છે.
આ પહેલા વીરેન્દ્ર સેહવાહ અને શાહિદ અફરીદીને આ લીગના આઇકોન પસંદ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમ પ્રતિભા શોધ કાર્યક્રમના ડાયરેક્ટર હશે. આઠ ટીમો વચ્ચે 21 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આ લીગ શારજાહમાં રમાશે.
આઠ ટીમોમાં કેરલા કિંગ્સ, મરાઠા અરેબિયન્સ, બંગાલ ટાઇગર્સ, ધિ કરાચિયન્સ, રાજપૂત્સ નોર્થન વારિયર્સ અને પખ્તૂન્સની ટીમ સામેલ છે. આ વર્ષે કરાચિયન્સ અને નોર્થર્ન વારિયર્સના રૂપમાં બે નવી ટીમોને લીગમાં સામેલ કરવામાં આવી છે.