Jio માર્ટને ટક્કર આપી રહી છે dukaan એપ, જાણો કઈ રીતે કરે છે કામ
મહારાષ્ટ્રના સતારાના રહીશ સુમિતે JIO માર્ટને ટક્કર આપતી એપ Dukaan લોંચ કરી છે. આ એપમાં અત્યાર સુધી 30 લાખથી વધુ સ્ટોર્સ લિસ્ટેડ છે જ્યારે 1200 શહેરોમાં આ એપ કામ કરે છે. અત્યાર સુધી 9 લાખથી ઓર્ડર્સ આવ્યા છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તમામ ક્ષેત્રમાં પોતાના પ્રતિસ્પર્ધીઓને જોરદાર ટક્કર આપી છે. ખાસ કરીને Jioને લોંચ કર્યા પછી ટેલીકોમ ઈન્ડસ્ટ્રીની જાણે કાયા પલટ થઈ ગઈ છે. Jio લોંચ કર્યાં પછી સ્થાનિક દુકાનદારોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરુ પાડવા માટે Jio માર્ટને લોંચ કરવામાં આવ્યું. લોંચ થતાંની સાથે જ Jio માર્ટની લોકપ્રિયતા પણ વધી. પરંતુ Jio માર્ટને લઈ લોકોની ફરિયાદો પણ વધુ છે. Jio માર્ટથી ઓર્ડર કરવા પર એક સાથે તમામ સામાનની ડિલીવરી નથી થતી. તો કેટલીક વખત આપો આપ જ ઓર્ડર કેન્સલ થઈ જાય છે. પરંતુ હવે Jio માર્ટને હવે Dukaan એપ ટક્કર આપી રહી છે.
Dukaan એપ મેડ ઈન ઈન્ડિયા એપ છે. આ એપ મહારાષ્ટ્રના સતારાના રહેવાસી સુમિતે તૈયાર કરી છે. આ એપના માધ્યમથી નાના કારોબારીઓને ખુબ જ મદદ મળી રહી છે. સુમિતના જણાવ્યા અનુસાર Dukaan એપને અત્યાર સુધી 43 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે.
કેવી રીતે કામ કરે છે Dukaan એપ?
દુકાન એપને એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. દુકાન એપમાં કોઈ પણ દુકાનદાર પોતની દુકાનને લિસ્ટ કરી શકે છે. દુકાન એપ પર રજિસ્ટ્રેશન માટે એક લિંક બને છે. જેના પર ક્લિક કરવાથી કોઈ પણ દુકાનદાર દુકાનમાં ઉપસ્થિત સામાનને એક જ જગ્યાએ દેખાડી શકે છે. આ લિંકને દુકાનદાર પોતાના ગ્રાહકો, સંબંધીઓને શેર પણ કરી શકે છે.
લિંક પર ક્લિક કરવાથી દુકાનના કોઈ પણ સામાનને ઓર્ડર કરી શકાય છે. દુકાન એપના માધ્યમથી વ્હોટ્સએપ પર પણ સામાન વેચી શકાય છે. કંપનીનો દાવો છે કે અત્યારે 30 લાખથી વધુ સ્ટોર્સ લિસ્ટ થઈ ગયા છે. આ એપ અત્યારે 1200 શહેરોમાં કામ કરે છે. અને અત્યાર સુધી 9 લાખથી વધુ ઓર્ડર કરવામાં આવ્યા છે.