ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, દુબઈમાં ચીની કંપનીએ ફ્લાઈંગ કારનું કર્યું સફળ પરીક્ષણ
દુબઈમાં ચીની કંપનીએ ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કર્યું. આ ભવિષ્યની કારમાં એક સમયે 2 લોકો મુસાફરી કરી શક્શે. આ કાર કોઈ પણ પ્રકારનું પ્રદુષણ ફેલાવતી નથી.
નવી દિલ્લીઃ એવું કહેવાય છે કે શહેરોમાં લોકો ફાસ્ટ લાઈફ જીવતા હોય છે. કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને ઘણીવાર રસ્તામાં ટ્રાફિક જેવી સમસ્યા નડતી હોય છે. જેને કારણે કર્મચારીઓને ઓફિસે પહોંચવામાં મોડું થાય છે. ખાસ કરીને કારમાં ઓફિસ જતા કર્મચારીઓ ટ્રાફિકમાં ફસાઈ તો તેમનો દિવસ પણ થકાન ભર્યો પસાર થાય છે. આ બધી સમસ્યાનું સમાધાન આવી રહ્યું છે. લોકોએ હવે ટ્રાફિકમાં મિનિટો સુધી ફસાઈ રહેવું પડશે નહીં. કારણ કે દુબઈમાં ચીનની એક કંપનીએ ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ કર્યું છે. શું છે આ ફ્લાઈંગ કારનો કોન્સેપ્ટ આવો જાણીએ.
ખલીજ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ચાઈનીઝ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહન નિર્માતા - એક્સપેંગે વિશ્વની પ્રથમ ફ્લાઈંગ ઈલેક્ટ્રિક ટેક્સીનું પરીક્ષણ કર્યું હતું. લોકોના જીવનને સરળ બનાવવા માટે, આ કંપનીઓે કાર સાથે ભવિષ્ય કેવું હોઈ શકે તેની એક ઝલક આપી.
સ્કાયડાઈવ દુબઈથી ઉડાન ભર્યા પછી, X2 ફ્લાઈંગ કારે તેની ટેસ્ટ ફ્લાઈટ પૂર્ણ કરી, ટૂંકા અંતરની ટ્રિપ્સ અને ઈન્ટેલિજન્સ મોબિલિટી સોલ્યુશન્સના તદ્દન નવા રોમાંચક યુગની શરૂઆત કરી.
ખલીજ ટાઈમ્સે જણાવ્યું કે ઓટોનોમસ 2 સિટર ફ્લાઈંગ કારનું મહત્તમ ટેકઓફ વજન 760 કિલો, 560 કિલો ખાલી વજન અને 130 કિમી/કલાકની ટોચની ફ્લાઈટ સ્પીડ છે. કારમાં 35-મિનિટનો ફ્લાઈટનો સમય છે અને તે પ્રીમિયમ કાર્બન ફાઈબરથી બનેલી છે અને આમાં એરફ્રેમ પેરાશૂટ સાથે ફીટ કરવામાં આવ્યું છે.
આ કારમાં એક સમયે બે મુસાફરો મુસાફરી કરી શક્શે. આ કોઈ પહેલી ફ્લાઈંગ કાર નથી, આ પહેલા પણ ઘણી બધી કાર બનાવવામાં આવી છે. જો કે, માત્ર મુઠ્ઠીભર લોકોની કારનું જ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ફ્લાઈંગ કારનું સૌથી તાજેતરનું સંસ્કરણ ભવિષ્યવાદી ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ વ્હીકલ (eVTOL) છે, જે ઓટોનોમસ ફ્લાઈટ કેપેબિલિટીઝ અને ઈન્ટેલિજન્સ ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે. X2 ઓછી ઊંચાઈવાળા શહેરો માટે બનાવવામાં આવી છે અને તેમાં કોઈ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થતું નથી.
ખલીજ ટાઈમ્સ અનુસાર, ફ્લાઈંગ કાર આગામી 2થી 3 વર્ષમાં વ્યવસાયિક ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જશે. દુબઈ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આંતરરાષ્ટ્રીય કાર્યાલયોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઓમર અબ્દુલ અઝીઝ અલખાને કહ્યું કે તે તેના પર નિર્ભર કરે છે કે આપણે વ્યાપારીકૃત શહેરી ઉડ્ડયનના માળખાને કેટલી ઝડપથી અનુકૂલિત કરી શકીએ છીએ. દુબઈમાં ફ્લાઈંગ કારનું વધુ પરીક્ષણો થશે, અને પછી તેનું વ્યાપારીકરણ કરવામાં આવશે.