એક નાનકડી ચિપ ગુજરાતમાં કરશે નોકરીઓની રેલમછેલ! જાણો એ સેમિકન્ડક્ટર વિશે, અને શેમાં થાય છે ઉપયોગ
ભારત ખુબ જ ઝડપથી સેમિકન્ડક્ટરની દિશામાં આગળ વધી રહ્યુ છે. સેમિકન્ડક્ટર માટે ભારત અત્યાર સુધી બીજા દેશો પર નિર્ભર હતું. દર વર્ષે ભારત અબજો રૂપિયા સેમિકન્ડક્ટરની આયાત પર ખર્ચ કરે છે. ભારત માટે આખરે આ સેમિકન્ડક્ટર એટલું કેમ જરૂરી છે અને તેના પ્લાન્ટ લગાવવાથી દેશને શું ફાયદો થશે?
ભારત ખુબ જ ઝડપથી સેમિકન્ડક્ટરની દિશામાં આગળ વધી રહ્યુ છે. પીએમ મોદીએ બુધવારે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું. ગત મહિને જ આ પ્રોજેક્ટને મોદી કેબિનેટે મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્લાન્ટ ગુજરાતના સાણંદ અને ધોલેરામાં ખોલવામાં આવશે. જ્યારે એક પ્લાન્ટ અસમના મોરીગાવમાં હશે. સેમિકન્ડક્ટર માટે ભારત અત્યાર સુધી બીજા દેશો પર નિર્ભર હતું. દર વર્ષે ભારત અબજો રૂપિયા સેમિકન્ડક્ટરની આયાત પર ખર્ચ કરે છે. ભારત માટે આખરે આ સેમિકન્ડક્ટર એટલું કેમ જરૂરી છે અને તેના પ્લાન્ટ લગાવવાથી દેશને શું ફાયદો થશે?
શું હોય છે આ સેમિકન્ડક્ટર?
સેમિકન્ડક્ટર એક સિલિકોન ચિપના નામથી પણ ઓળખાય છે. આ કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. તેના વગર કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉત્પાદન બનાવી શકાય નહીં. તે કોઈ પણ પ્રોડક્ટના કંટ્રોલિંગ અને મેમરી ફંક્શનને ઓપરેટ કરે છે. એલઈડી બલ્બથી માંડીને મિસાઈલ અને કારથી લઈને મોબાઈલ તથા લેપટોપમાં પણ તેનો ઉપયોગ કરાય છે. આ ચિપની ઈલેક્ટ્રોનિક આઈટમની મેમરીને ઓપરેટ કરવાનું કામ કરે છે. સેમિકન્ડક્ટરનો ઉપયોગ સ્માર્ટ વોચ, મોબાઈલ, ટીવી, લેપટોપ, ડ્રોન, એવિએશન સેક્ટરથી લઈને ઓટોમોબાઈલ સેક્ટરમાં થાય છે. આજકાલની કારોમાં ખુબ હાઈટેક ફીચર્સને સામેલ કરાય છે અને આ ફીચર્સને પૂરા કરવા માટે સેમિકન્ડક્ટરની જરૂર હોય છે.
કોણ છે દુનિયાનું સૌથી મોટું સેમિકન્ડક્ટર સપ્લાયર?
સેમિકન્ડક્ટરના માર્કેટમાં જોઈએ તો તાઈવાન, ચીન અને અમેરિકા મેઈન પ્લેયર છે. એટલે કે સૌથી મોટા સપ્લાયર છે. દક્ષિણ કોરિયા પણ આ દિશામાં ઝડપથી આગળ વધવાની કોશિશ કરે છે. તેમાં પ્રોસેસર ચિપ અને સેમિકન્ડક્ટરનો સૌથી મોટો નિકાસકર્તા દેશ ચીન છે. કોરોના મહામારી વખતે જ્યારે ચીનમાં આ ચિપનું પ્રોડક્શન અટક્યું તો ભારત સહિત સમગ્ર દુનિયા પર તેની અસર જોવા મળી હતી. અમેરિકાએ હુઆવે જેવી અનેક ચીની કંપનીઓ માટે અમેરિકી સેમિન્ડક્ટરનો સપ્લાય અટકાવી દીધો હતો.
સેમીકન્ડક્ટર બનાવવું એક જટિલ પ્રક્રિયા છે. એક નાનકડા સેમિકન્ડક્ટર કે ચિપને બનાવવાની પ્રક્રિયામાં 400-500 તબક્કા હોય છે. તેમાંથી એકમાં પણ ભૂલ થાય તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. તેને બનાવવા માટે જે ધાતુ અને અન્ય ચીજોની જરૂર પડે છે તે ગણ્યાગાંઠ્યા દેશો પાસે છે. જ્યારે તેની ડિઝાઈનની ટેક્નોલોજી પણ ગણતરીના દેશો પાસે છે. સેમિકન્ડક્ટર માઈક્રોચીપ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ધાતુ પેલેડિયમનો સૌથી મોટો સપ્લાયર રશિયા છે. ભારતની વાત કરીએ તો દુનિયાભરની સૌથી મોટી આઈટી અને ચિપ નિર્માતા કંપનીઓમાં ભારતના એન્જિનિયર કામ કરે છે. આ એન્જિનિયર આ કંપનીઓ માટે ચિપ ડિઝાઈન કરે છે.
મોટો પડકાર
સેમી કન્ડક્ટર બનાવવા માટે એક પડકાર એવો પણ છે કે અનેક કંપનીોએ પોત પોતાની રીતે અનેક ટેક્નિક્સને પેટન્ટ કરાવેલી છે. આ કંપનીઓ અન્ય કંપનીઓ પાસેથી ચિપનું નિર્માણ કરાવે છે. ચિપ નિર્માણ સેક્ટરમાં ત્રણ પ્રકારની કંપનીઓ હોય છે. જેમાંથી કેટલીક કંપનીઓ ચિપ તૈયાર કરે છે. કેટલીક ચિપ બનાવવા માટે જરૂરી મશીન અને સામાન આપે છે અને કેટલીક કંપનીઓ રિસર્ચ અને ડિઝાઈનનું કામ કરે છે. જે કંપનીઓમાં ચિપનું નિર્માણ થાય છે તેમને ફેબ્સ કહેવાય છે. ભારતમાં હાલ રિસર્ચ અને ડિઝાઈન સંલગ્ન કંપનીઓ પહેલેથી છે. ભારત ઉત્પાદન સંલગ્ન કંપનીઓ પર હવે ભાર મૂકી રહ્યું છે. પૂરી ચિપ સપ્લાય ચેનના રેવન્યૂમાં ચિપ ડિઝાઈનિંગ, અસેમ્બલિંગ, ટેસ્ટિંગ, પેકેજિંગ અને માર્કિંગની 50 ટકા ભાગીદારી છે. આવામાં ભારતનું ફોકસ આ ક્ષેત્ર પર છે.
કેટલો મોટો વેપાર?
ભારતની વાત કરીએ તો સેમિકન્ડક્ટરની માંગ લગભગ 24 બિલિયન ડોલર છે. 2025 સુધીમાં તે વધીને 100 બિલિયન ડોલર સુધી પહોંચી જશે. 2030 સુધીમાં આ આંકડો 110 અબજ ડોલર સુધી પહોંચી જશે. ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ માટે ભારત હાલ સંપૂર્ણ રીતે આયાત પર નિર્ભર છે. દેશમાં પેટ્રોલ અને ગોલ્ડ બાદ સૌથી વધુ આયાત ઈલેક્ટ્રોનિક્સમાં થાય છે. તેમાં પણ લગભગ 27 ટકા આયાત ફક્ત સેમિકન્ડક્ટરની જ થાય છે. દુનિયાભર માટે ચિપનો કારોબાર કેટલો મોટો છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે 2025 સુધીમાં ભારત પોતાના આ મિશન પર 10 બિલિયન ડોલર ખર્ચ કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આગામી બે વર્ષમાં 208 બિલિયન ડોલર અને ચીન તેના પર લગભગ 1.4 ટ્રિલિયન ડોલરનું રોકાણ કરશે.
સેમિકન્ડક્ટર હબ બનવા માટે ભારતે શું શું કર્યું છે?
ભારતમાં કોરોના મહામારી દરમિયાન ઓટો મોબાઈલ ક્ષેત્રમાં સેમિકન્ડક્ટરની કમીના કારણે ઉત્પાદન ધીમુ પડ્યા બાદ આ દિશામાં કામ કરવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ભારત અને અમેરિકાએ ઈન્ડિયા-યુએસ 5th કોમર્શિયલ ડાયલોગ 2023 દરમિયાન સેમિકન્ડક્ટર સપ્લાય ચેન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર સાઈન કર્યા. ભારતમાં સેમિકન્ડક્ટરના નિર્માણ માટે દુનિયાભરની ચિપ નિર્માતા કંપનીઓ સાથે વાતચીત શરૂ થઈ. આ કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવી રહ્યું છે. ભારતે હાલ 10 અબજ ડોલરનું ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતમાં બે શહેરમાં પ્લાન્ટ
ગુજરાતના સાણંદમાં સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન લિમિટેડ પોતાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખોલશે. જેમાં 2024ના અંત સુધીમાં સેમિકન્ડક્ટરનું નિર્માણ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટ પર 7500 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. જ્યારે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ધોલેરામાં સેમિકન્ડક્ટરનું ફેબ્રિકેશન પ્લાન્ટ ખોલશે. ડિસેમ્બર 2026 સુધીમાં શરૂ થનારા આ પ્રોજેક્ટ પર 91 હજાર રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે. આ સિવાય એક પ્લાન્ટ અસમના મોરીગાવમાં 27000 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરાઈ રહ્યો છે.
ધોલેરા બનશે હબ!
ગુજરાત સરકારે પોતાને સેમિકન્ડક્ટરનું હબ બનવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલીસી લોન્ચ કરી છે. ભારતના સેમીકન્ડક્ટર મિશન સાથે તાલમેળ બેસાડતા ગુજરાતે વર્ષ 2022માં પોતાની સેમીકન્ડક્ટર નીતિ રજૂ કરી હતી. ગુજરાત સરકારે રાજ્યમાં સેમીકન્ડક્ટર કંપનીઓ માટે ઈકો સિસ્ટમ તૈયાર કરી. ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે કંપનીઓને જમીન ફાળવી. સેમિકન્ડક્ટર કંપનીઓની પહેલી પસંદ બનવા માટે ગુજરાત સરકાર કંપનીઓ માટે સકારાત્મક માહોલ તૈયાર કરી રહી છે. રાજ્ય સરકારે દેશનો પહેલો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવા માટે ટાટા સમૂહને ધોલેરામાં 160 એકર જમીન ફાળવી છે.
કંપનીઓને કેમ ગમી રહ્યું છે ધોલેરા
હવે જો ધોલેરાની વાત કરીએ તો તે અમદાવાદથી 100 કિમી દૂર છે અને ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ઊભરી રહ્યું છે. તેની સરખામણી સિંગાપુર સાથે થાય છે. 920 વર્ગ કિમીમાં ફેલાયેલું આ શહેર અમદાવાદથી પણ મોટું છે. આ શહેર ગુજરાતના ચાર મુખ્ય શહેર અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને ભાવનગર સાથે લિંક છે. 6 લેન એક્સપ્રેસ વે, એરપોર્ટ, મેટ્રો રેલ નેટવર્ક તેની કનેક્ટિવિટીને સારી બનાવે છે. કંપનીઓ માટે અહીં રોકાણ કરવું સરળ છે. સરકારની નીતિઓનું સમર્થન તેને મળી રહ્યું છે. ગુજરાત સેમીકન્ડક્ટર પોલીસ શહેરને આ દિશામાં પ્રોત્સાહિત કરી રહી છે. રાજ્યની સેમીકન્ડક્ટર પોલીસેનો હેતુ રણીનીતિક ક્ષેત્રમાં આપૂર્તિ શ્રૃંખલાઓના વૈશ્વિક પુર્નગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું છે. ગુજરાતના ધોલેરામાં લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રિયલ ઈકોસિસ્ટમ અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. ગુજરાત સરકારે ધોલેરાને સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીઝન (SIR) તરીકે વિક્સિત કર્યું છે. અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ઈન્ડસ્ટ્રિયલ યુટિલિટિઝ ઉપલબ્ધ છે. જે ગ્લોબલ કંપનીઓને અહીં રોકાણ કરવા માટે આકર્ષિત કરે છે. ધોલેરામાં ઉપલબ્ધ ઈન્ડસ્ટ્રિયલ સુવિધાઓ અને સરકારની સહભાગિતા તેને સેમીકન્ડક્ટર કંપનીઓ માટે યોગ્ય રણનીતિક સ્થળ બનાવે છે. હાલ ધોલેરા ગુજરાતનું સેમીકોન સિટી બની ચૂક્યું છે.
ગુજરાતનું ધોલેરા પહેલી પસંદ
સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાત પહેલી પસંદ બનીને ઉભરી રહ્યું છે. ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે. સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સોલ્યુશન સાણંદમાં તથા ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ધોલેરામાં પ્લાન્ટ શરૂ કર્યા છે.
કેટલી નોકરીઓ ઊભી થશે
મીડિયા રિપોર્ટ મુજબ આ યુનિટ્સ દ્વારા 20,000 જેટલી સીધી નોકરીઓ (એડવાન્સ્ડ ટેક્નોલોજી જોબ્સ) અને અંદાજે 60,000 જેટલી ઈનડાઈરેક્ટર જોબ્સની તકો સર્જાય એવું અનુમાન છે. આ ઉપરાંત ઓટોમેટિવ, ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, અને મેન્યુફેક્ટરિંગ જેવા ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો ઉભી થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube