એચડીએફસી બેંકે લોન્ચ કરી નવી એપ, ટ્રેડરો અને ખેડૂતોને થશે ફાયદો
આ એપની સુવિધા એચડીએફસી બેંક પાસેથી વેરહાઉસ રીસીપ્ટ/કૉમોડિટી પ્લેજ્ડ લોન મેળવનારા બેંકના વર્તમાન અને નવા એમ બંને ગ્રાહકોને પૂરી પાડવામાં આવશે.
નવી દિલ્હી: એચડીએફસી બેંકએ આજે ઇન્ડસ્ટ્રીની પ્રથમ વેરહાઉસ કોમોડિટી ફાઇનાન્સ એપ લોન્ચ કરી છે. તેની મદદથી ગ્રાહકો કોઇપણ પ્રકારના રૂબરૂ હસ્તક્ષેપ અથવા તો બેંકની શાખાની વારંવાર લેવી પડતી મુલાકાતો વગર ઓનલાઇન કોમોડિટીને ગીરો મૂકવાની સામે લોન મેળવી શકશે અને તેનું સંચાલન કરી શકશે.
લોન મેળવવાના જે કામ માટે અગાઉ ઘણાં દિવસો લાગતાં હતાં તે હવે ખૂબ જ ઝડપથી કલાકોમાં કામ પતી જશે. આ નવી એપ ડબ્લ્યુએચઆર લોન (વેરહાઉસ રીસીપ્ટ લોન્સ)ના પ્રાથમિક લાભાર્થીઓ એટલે કે, એગ્રી પ્રોસેસરો, ટ્રેડરો અને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ એપ એવા સમયે લોન્ચ કરવામાં આવી છે જ્યારે ભારતનો ઘણો મોટો ભાગ હજુ પણ અનલોકિંગમાંથી પસાર થઈ રહ્યો છે અને હજુ પણ મુસાફરી કરવા પર પ્રતિબંધો લાગુ છે. અર્થતંત્રને પાટા પર લાવવા માટે ખૂબ જ મહત્ત્વનાગણાતા કૃષિ ઉદ્યોગનું સંચાલન નિર્બાધ રીતે થવું જરૂરી છે.માલસામાનનો સંગ્રહ કરતા વેરહાઉસ (વખારો) માર્કેટમાં માલસામાનના સ્થિર પુરવઠાની ખાતરી કરી અનિશ્ચિત આર્થિક માહોલમાં કિંમતોની સ્થિરતા જાળવવામાં મદદરૂપ થાય છે.
ખાસ કરીને, ચોખા, ઘઉં, સોયાબીન, કપાસ, વિવિધ દાળ અને તેલિબિયાં જેવા ખૂબ જ આવશ્યક પાકનો પુરવઠો. બેંકો આ વખારોમાં સલામત રીતે સંગ્રહિત કરવામાં આવતી ચીજો પર લોન મંજૂર કરી શકતી હોવાથી વેરહાઉસને કરવામાં આવતું ધિરાણ એ આ વ્યવસાયના અસ્તિત્ત્વનો મુખ્ય આધાર છે. તે જ રીતે, લોનને પરત કરી દેવા પર ગીરો મૂકવામાં આવેલી આવી ચીજોને ડિજિટલ રીતે ઋણમુક્ત કરી દેવામાં આવશે. તેનાથી એગ્રી પ્રોસેસિંગ માટે માલસામાનને સમયસર પહોંચાડવામાં અને તેનો સમયસર વપરાશ કરવામાં મદદ મળી રહેશે.
એચડીએફસી બેંકના બિઝનેસ બેંકિંગના સીનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુમંત રામપાલએ જણાવ્યું હતું કે, ‘રોગચાળાને કારણે લોકો જ્યારે વારંવાર બેંકની મુલાકાત લઈ શકે તેમ નથી ત્યારે આ એપ લૉન્ચ કરીને અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. આ સુવિધાને કારણે સમગ્ર દેશના અને ખાસ કરીને અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો તેમની કોમોડિટી ગીરવે મૂકીને લીધેલી લૉનનું ઓનલાઇન સંચાલન કરી શકશે.
અમે ગ્રાહકોના મૂલ્યવાન પ્રતિભાવો પર આધાર રાખી વેરહાઉસ કોમોડિટી ફાઇનાન્સ એપ જેવી સેવાઓ અને ડિજિટલ સુવિધાઓમાં મૂલ્યવર્ધન કરવાનું ચાલું રાખીશું. અમારું માનવું છે કે, આ પ્રકારના નવીનીકરણો કૃષિ ક્ષેત્રમાં ધિરાણનું ભવિષ્ય છે.’
આ એપની સુવિધા એચડીએફસી બેંક પાસેથી વેરહાઉસ રીસીપ્ટ/કોમોડિટી પ્લેજ્ડ લોન મેળવનારા બેંકના વર્તમાન અને નવા એમ બંને ગ્રાહકોને પૂરી પાડવામાં આવશે. વર્તમાન ગ્રાહકો કે જેમની લોન પહેલેથી જ મંજૂર થઈ ગઈ છે, તેઓ ફક્ત 3 સ્ટેપમાં આ એપ પર લોગ ઑન કરી તેને મેળવી શકે છે, જ્યારે નવા ગ્રાહકો વેરહાઉસ કોમોડિટી ફાઇનાન્સ એપ પર નોંધણી કરાવીને એચડીએફસી બેંક પાસેથી ગીરો મૂકેલી ચીજોની સામે લોન મંજૂર કરાવી શકે છે.
મુખ્ય વિશેષતાઓ
● ગીરો મૂકવા માટે ઉપલબ્ધ સ્ટોરેજની પ્રાપ્તિ અંગે રીયલ ટાઇમમાં માહિતી
● ફંડ્સ મેળવવા માટે ઓનલાઇન ચૂકવણીની વિનંતી
● લોનની આંશિક રીતે / સંપૂર્ણપણે પરત ચૂકવવી અને સ્ટૉક છોડાવવો
● એપ મારફતે સીએએસએ ખાતામાંથી ઓનલાઇન ચૂકવણી
● પાકતી મુદતની સાથે 24/7 લોનનું સ્ટેટમેન્ટ
● ભૂતકાળમાં કરેલી લેવડદેવડો અંગેની માહિતી
આ એપ ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતના ગ્રાહકો માટે સવિશેષ ઉપયોગી છે, કારણ કે, આ રાજ્યો સક્ષમ કૃષિ ઉદ્યોગો ધરાવે છે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube