નવી દિલ્લીઃ અકસ્માતથી બચવા માટે તમે કારોમાં તો એરબેગ જોયું જ હશે. પરંતુ શું તમે બાઈકમાં એરબેગનું ફીચર જોયું છે. જી હા, હોન્ડાએ એક એવી શાનદાર બાઈક લોન્ચ કરી છે જેમાં અનોખા ફીચર આપવામાં આવ્યા છે. હોંડાની આ નવી બાઈકનું નામ Honda Gold Wing Tour છે. આ બાઈક તેના શાનદાર લુક્સથી તો અલગ પડે જ છે, જો કે બાઈકની પ્રાઈસ સાંભળી ભલભલા લોકો ચોંકી ઉઠશે. આ એક બાઈકની કિંમતે તો તમે 3-4 કાર ખરીદી શક્શો. શું છે આ બાઈકમાં એટલું ખાસ આવો જાણીએ સમગ્ર વિગત. Honda Gold Wing Tourની એક્સ શો-રૂમ કિંમત 39.20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેની સામે ફોર્ચ્યુનર કારની એક્સ-શોરૂમ કિંમત 32 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેથી તમે કહી શકો કે આ બાઈકની કિંમતે તો એક મોટી SUVની કિંમતને પણ ટક્કર મારી. આ શહેરોમાં શરૂ થઈ ગોલ્ડવિંગની બુકિંગ- ગુરુગ્રામ ઉપરાંત કંપનીએ મુંબઈ, બેંગ્લોર, ઈન્દોર, કોચી, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતામાં સ્થિત વિશિષ્ટ બિગવિંગ ટોપલાઈન ડીલરશીપ પર આ લક્ઝરી બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. ચેન્નઈ, કોચી અને બેંગ્લોરમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 40 લાખ રૂપિયાથી વધુ છે. કંપનીએ આ બાઈકમાં 1833 cc એન્જિન આપવામાં આવ્યું છે, જે 170 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ બાઈકનું એન્જિન સુઝુકીની હાયાબુઝા બાઈક કરતા પણ વધું છે, જે 1300ccનું છે. કાર જેવા ફીચર્સથી સજ્જ છે આ બાઈક- હોન્ડા ગોલ્ડવિંગ ટૂરમાં એરબેગ ઉપરાંત ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં એક્સટેન્ડેડ ઈલેક્ટ્રિક સ્ક્રીન છે, જેને ડાબા હેન્ડલબારથી ઓપરેટ કરી શકાય છે. કંપનીએ તેમાં 7 ઈંચની TFT લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. હોન્ડાની આ બાઇકમાં જાયરોસ્કોપ પણ છે, જે ટનલમાં પણ રાઇડરને નેવિગેશનની સુવિધા આપે છે. તેમાં Apple CarPlay અને Android Auto પણ છે. આ સિવાય આ બાઈકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને USB Type-C સોકેટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. બાઈકની આ પણ છે બીજી ખાસિયત- ગોલ્ડ વિંગ બાઈકના અન્ય ફીચર્સમાં ક્રુઝ કંટ્રોલ પણ સામેલ છે. તેમાં કારની જેમ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સુવિધા પણ આપવામાં આવી છે. આ બાઈકમાં ચાર ઓટોમેટિક રાઈડ મોડ છે. બાઈકને મેન્યુઅલ મોડમાં પણ ચલાવી શકાય છે. આ બાઈકમાં હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (HSTC) ફીચર આપવામાં આવ્યું છે, જે પાછળના વ્હીલમાં ટ્રેક્શન જાળવી રાખે છે. બાઈકનું સસ્પેન્શન પણ એડજસ્ટ કરી શકાય છે. બાઈકનું ફ્યુલ ટેન્ક 21 લીટરનું છે.