કોઈ અજૂબાથી જેવો છે આ દુનિયાનો પ્રથમ ટ્રાઈ ફોલ્ડેબલ ફોન, મોંઘોદાટ છતાં ખરીદવા માટે પડાપડી
Huawei એ દુનિયાનો પહેલો ટ્રાઈ ફોલ્ડેબલ સ્માર્ટફોન Mate XT લોન્ચ કર્યો છે. આ ફોન ફોલ્ડ થાય તો Samsung Galaxy Z Fold 6 જેટલો જ પાતળો છે અને તેની અનેક આકર્ષક વિશેષતાઓ છે. જાણો તેના વિશે...
દુનિયાનો પહેલો ટ્રાઈ ફોલ્ડ ફોલ્ડેબલ સ્માર્ટફોન Huawei Mate XT Ultimate પોતાનામાં જ એક અજુબા જેવો છે. રેડિટ પર શેર કરાયેલી તસવીરથી ખબર પડે છે કે ત્રણ સ્ક્રીનવાળા આ ફોનને ત્રણવાર ફોલ્ડ કર્યા બાદ પણ તે સેમસંગના ડબલ ફોલ્ડવાળા Galaxy Z Fold 6 જેટલો જ પાતળો લાગે છે. ફોલ્ડ કરો તો Huawei XT ની પહોળાઈ 12.8 mm અને Galaxy Z Fold 6 ની પહોળાઈ 12.1 mm થાય છે. 0.7 મિલિમીટરનું આ અંતર જો કે નરી આખે ઓળખવું લગભગ અશક્ય છે. અત્રે જણાવવાનું કે Huawei Mate XT માં 10.2 ઈંચ અને Galaxy Z Fold 6 માં 7.6 ઈંચનો સ્ક્રીન છે.
ચીની બ્રાન્ડ Huawei એ 9 સપ્ટેમ્બર 2024ના રોજ દુનિયાનો પહેલો ટ્રિપલ ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો હતો. બરાબર એ જ દિવસે કે જ્યારે એપલે પોતાનો આઈફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી. લોન્ચના ફક્ત ત્રણ દિવસની અંદર જ આ મોડલને 40 લાખથી વધુ પ્રી બુકિંગ મળી ગઈ હોવાનું કહેવાય છે. Huawei Mate XTની શરૂઆતની કિંમત 19,999 યુઆન (2,35,109.78 ભારતીય રૂપિયા) છે. જ્યારે આઈફોન 16 સિરીઝના સૌથી મોંઘા iPhone 16 Pro Max ના 1 TB વેરિએન્ટની કિંમત 1,84,900 રૂપિયા છે. જો કે Huawei Mate XT માં કેટલીક એવી વિશેષતાઓ છે જે તેને અલગ બનાવે છે.
ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 5.5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. સંપૂર્ણ રીતે ખોલો તો તેની પહોળાઈ માત્ર 3.3 મિમી થાય છે. પરંતુ તેની 5600 એમએએચની સિલિકોન કાર્બન બેટરી સારું ચાર્જિંગ આપે છે. Huawei Mate XTમાં દુનિયાની સૌથી પાતળી સ્માર્ટફોન બેટરી છે. ફોનમાં 66 વોટનો ફાસ્ટ વાયર્ડ ચાર્જર અને 50 વોટનો વાયરલેસ ચાર્જર પણ છે. અમેરિકી પ્રતિબંધોના કારણે Huawei એ Mate XT ને પણ પોતાના જ ચિપસેટ સાથે લોન્ચ કર્યો છે. હાલ n ફક્ત ચીનમાં જ ઉપલબ્ધ છે.