નવી દિલ્લીઃ ભારત જેવા મોટા અને વિશાળ દેશમાં રોકડની જરૂરિયાત સૌથી વધારે રહે છે, અને તેથી જ રોજ ATMમાં લોકોની ભીડ રહે છે. પરંતુ એવી અનેક ફરિયાદો તમે સાંભળી હશે કે પછી તમે પણ અનુભવ્યું હશે કે ATMમાંથી પૈસા કાઢતી વખતે પૈસા નીકળતા નથી પણ એકાઉન્ટમાંથી કપાઈ જાય છે. જેના કારણે લોકો ઘભરાઈ જાય છે અને ફરી પૈસા કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી કારણ કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખાસ નિયમ બનાવ્યો છે. શું છે આ નિયમ?, જુઓ આપની માટે ઉપયોગી આ સમાચાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંકનો આવી રીતે કરો સંપર્ક-
RBIના નિયમ મુજબ જો તમે કોઈ પણ બેંકના ATMમાંથી પૈસા કાઢવા માટે જાઓ છો અને તે નથી નીકળતા તો તમારે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે માત્ર તમારી બેંકની નજીકની શાખાનો સંપર્ક કરવાનો રહેશે, જો બેંક બંધ હોય તો કસ્ટમર કેર પર કોલ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. બેંકને તમારી ફરિયાદના નિકાલ માટે એક સપ્તાહનો સમય મળશે.


ટ્રાન્જેક્શન સ્લિપને તમારી પાસે રાખો-
ATMમાંથી પૈસા કાઢતા સમયે જો ટ્રાન્જેક્શન ફેલ થઈ જાય તો તમારી પાસે તેની સ્લીપ અવશ્ય હોવી જોઈએ. જો કોઈ કારણોસર સ્લિપ નથી નીકળતી તો તમે બેંક સ્ટેટમેન્ટ પણ આપી શકો છો. ટ્રાન્જેક્શન સ્લિપ એટલા માટે જરૂરી છે કે તેમાં ATMની ID, લોકેશન, સમય અને બેંક તરફથી રિસ્પોન્સ કોડ લખેલો હોય છે.


બેંક 7 દિવસમાં તમારા પૈસા કરશે રિફંડ-
RBIએ સતત ઉઠતી આવી ફરિયાદો સામે એક ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. જે અંતર્ગત કોઈ પણ બેંકે ગ્રાહકના પૈસા સાત દિવસમાં પરત કરવા પડશે. જો બેંક એક સપ્તાહની અંદર તમારા રૂપિયા પરત નથી કરતી તો તમે બેંકિંગ લોકપાલને મળી શકો છો. બેંક જો તમને સાત દિવસમાં રૂપિયા ન ચૂકવે તો નિયમ મુજબ તેણે પ્રતિ દિવસના હિસાબથી 100 રૂપિયા ચૂકવવા પડશે.