Mahindra એ લોન્ચ કરી ઈલેક્ટ્રિક ઓટો, સિંગલ ચાર્જમાં આપશે 130 કિમીની રેન્જ!
નવી દિલ્હીઃ બદલાતા સમયની સાથે ટેકનોલોજીમાં પણ સતત પરિવર્તન થઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલમાં એક તરફ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યાં બીજી તરફ દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઈલેક્ટ્રોનિક વાહનો પર ખાસ મદાર રાખવામાં આવી રહ્યો છે. ત્યારે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરની જેમ હવે તમને ઈ-ઓટો રિક્ષા પણ જોવા મળશે. મહિન્દ્રા કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક 3-વ્હીલર ઑટો રિક્ષા Treo લોન્ચ કરી. કંપનીની આ ઑટો રિક્ષા સિંગલ ચાર્જમાં 130 કિલોમીટરની રેન્જ આપશે.
Treoની 13,000 યુનિટનું થયું છે વેચાણ-
Mahindra Electricની ઈલેક્ટ્રિક 3-વ્હીલર ઑટો રિક્ષાના લોન્ચિંગ બાદથી અત્યાર સુધીમાં 13,000 યુનિટનું વેચાણ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ઑટો રિક્ષાની મેન્ટેનેન્સ કોસ્ટ આશરે 50 પૈસા પ્રતિ કિલોમીટર છે. આ ઑટો રિક્ષા 5 વર્ષમાં રિક્ષાના માલિકના રૂપિયા 2 લાખની બચત કરશે.
Treoમાં છે વોટરપ્રુફ બેટરી-
Mahindra Treoમાં વોટરપ્રુફ અને ડસ્ટપ્રુફ બેટરી પેક આપવામાં આવ્યું છે. આમાં 8kWની બેટરી છે જે IP65 રેટેડ છે. આ બેટરી 42 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ રિક્ષાને 16A સોકેટનો ઉપયોગ કરી ચાર્જ કરી શકાશે. હાલમાં આ રિક્ષા ફિક્સ બેટરી સાથે આવે છે, જો કે કંપની તેના સ્વેપ કરતી બેટરી પર કામ કરી રહી છે.
Mahindra Treoની કિંમત-
Mahindra Treoની કિંમત 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ રિક્ષાને 41,500નું ડાઉનપેમેન્ટ કરીને બુક કરાવી શકાશે. ગ્રાહકો 7500 રૂપિયાના એક્સચેંજ બોનસનો પણ લાભ લઈ શક્શે.
આગામી દિવસોમાં આવશે ક્વોડ્રિસાઈકલ-
Mahindra Electric કંપની આગામી દિવસોમાં 3-વ્હીલર કેટેગરીમાં કમ સે કમ 4 મોડલ લોન્ચ કરશે. આ રિક્ષામાં અલગ અળગ રેન્જ અને પેલોડ કેપેસિટી હશે. બિઝનેસ લાઈનની ખબર મુજબ કંપની આગામી 3 વર્ષમાં એક ક્વિડ્રિસાઈકલને પણ લોન્ચ કરવા જઈ રહી છે. આ ક્વોડ્રિસાઈકલ એક કોમર્શિયલ પેસેન્જર વ્હીકલ હશે. Atom નામના આ વ્હીકલમાં 4 દરવાજા હશે.