સેમસંગ લાવી રહી છે ફોલ્ડેબલ સ્માર્ટફોન, જૂઓ તેની એક ઝલક...
આ ફોલ્ડેબલ ફોન નાના ટેબલેટની સ્ક્રીનને તમારા ખિસ્સામાં રાખીને ફરી શકો તેવી બનાવી દેશે
સેન ફ્રાન્સિસ્કોઃ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કંપની લિ. દ્વારા તેના બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ ફોનની બુધવારે એક ઝલક રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ તેણે એન્ડ્રોઈડના ડેવલપર્સને તેના આ નવા ફોલ્ડેબલ ફોન માટે નવી એપ્લીકેશન તૈયાર કરવાની વિનંતી કરી દીધી છે.
સેમસંગ કંપની આ ફોલ્ડેબલ ફોન દ્વારા મોબાઈલ માર્કેટમાં તેના નફાનું ધોરણ જે નીચે જતું રહ્યું છે તેને ઊંચે લાવવા માગે છે. આ સાથે જ તે પ્રતિષ્ઠિત એપલ બ્રાન્ડને ટક્કર આપવા માગે છે.
ફોલ્ડેબલ ફોનમાં એક નાના ટેબલેટ જેટલી મોટી સ્ક્રીન હશે, જેને તમે ખિસ્સામાં રાખીને ફરી શકશો.
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના અમેરિકાની મોબાઈલ પ્રોડક્ટ સ્ટ્રેટજીના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ જસ્ટિન ડેનિસને બુધવારે એક સમારોહમાં આ ફોલ્ડેબલનો એક પ્રોટોટાઈપ રજૂ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે, આ ફોનની સ્ક્રીન 7.3 ઈંચની હશે.
આ ફોનને તેમણે ફોલ્ડ કરીને બતાવ્યો હતો. જોકે સેમસંગ કંપનીએ આ સમયે મીડિયા કે ડેલપર્સને તેને સ્પર્શ કરવા કે તેને નજીકથી જોવા માટે આપ્યો ન હતો.
ગુગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મના વાઈસ પ્રેસિડન્ટ ડેવ બુર્કેએ કેલિફોર્નિયા ખાતે ગૂગલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સેમસંગ કંપની આવતા વર્ષે એક એન્ડ્રોઈડ આધારિત નવો ફોન બજારમાં રજૂ કરવાની તૈયારી રહી છે. તેમણે જણાવ્યું કે, આપણને કેટલાક એન્ડ્રોઈડ ડેવલપર્સ પાસેથી ફોલ્ડેબલ પ્રોડક્ટ જોવા મળી શકે છે.
સેમસંગે જણાવ્યું કે, કંપની આગામી મહિનાઓમાં આ ફોનના મોટાપાયે ઉત્પાદન કરવા માટે તૈયાર છે.
મોબાઈલ ટેક્નોલોજીને એક સંશોધક બોલ ઓડોનેલે જણાવ્યું કે, ફોલ્ડ કરી શકાય એવી સ્ક્રિન ગ્રાહકોમાં એક નવિનતા રજૂ કરી શકે છે, પરંતુ ગ્રાહકો ફોનની જાડાઈને કારણે કદાચ ખરીદવા માટે ન પણ પ્રેરાય.
ચીનની હુવેઈ ટેક્નોલોજીસે પણ થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ 2019ના મધ્યમાં ફોલ્ડેબલ સ્ક્રીન ધરાવતો એક 5G સ્માર્ટફોન લોન્ચ કરવાનું આયોજન કરી રહ્યા છે.
જોકે, સેમસંગ અને હુવેઈને ચીનની એક નવી સ્ટાર્ટ અપ કંપની રોયોલ દ્વારા પહેલાથી જ પડકાર મળી ગયો છે. આ કંપનીએ ગયા અઠવાડિયે 7.8 ઈંચ સ્ક્રીન ધરાવતો એક ફોલ્ડેબલ એન્ડ્રોઈડ ફોન રજૂ કરી દીધો છે અને તેની કિંમત પણ 1300 ડોલરની આસપાસ છે. રોયલ કંપનીએ જણાવ્યું કે, તેઓ ડિસેમ્બરથી આ ફોનના ઓર્ડર લેવાનું પણ શરૂ કરી દેશે.