એવી કલ્પના કરો કે દિલ્હીથી અમેરિકાની મુસાફરી...કે જેને પૂરી કરવામાં 15 કલાક લાગે છે તે હવે માત્ર 30 મિનિટમાં પૂરું થઈ શકે તો? આવું સાંભળીને સાયન્સ-ફિક્શન ફિલ્મનું દ્રશ્ય યાદ આવી શકે છે. પરંતુ એલન મસ્ક હવે આ અશક્ય લાગતું કામ હકીકતમાં ફેરવવાની તૈયારી કરી રહ્યા છે. દુનિયાને પોતાની ટેક્નોલોજી અને ઈનોવેશનથી ચોંકાવારા એલન મસ્કની કંપની સ્પેસ એક્સે સ્પેસ ટ્રાવેલને ધરતી પર લાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. હકીકતમાં મસ્ક મુસાફરીના સમયને ઘટાડવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટારશીપથી બદલાશે મુસાફરીનો અર્થ?
સ્પેસએક્સની સ્ટારશીપ ટેક્નોલોજી...જે અત્યાર સુધી અંતરિક્ષ મુસાફરીઓ માટે જાણીતી હતી, તે હવે ધરતી પર અલગ અલગ શહેરોને ગણતરીની મિનિટોમાં જોડવાની તૈયારી કરી રહી છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ સ્ટારશીપ પૃથ્વીની સપાટીને સમાનાંતર કક્ષામાં ઉડાણ ભરીને મુસાફરોને રેકોર્ડ સમયમાં તેમના ગંતવ્ય સુધી પહોંચાડી શકે છે. અત્રે જણાવવાનું કે જો આ યોજના સફળ થાય તો ન્યૂયોર્કથી શાંઘાઈ માત્ર 39 મિનિટ, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો ફક્ત 30 મિનિટમાં પહોંચી શકાય. 


એલન મસ્કનો જવાબ
આ યોજનાઅંગે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર @ajtourville નામના એક યૂઝરે એક વીડિયો શેર કર્યો, જ્યાં આ પ્રોજેક્ટનો પ્રચાર વીડિયો શેર કરવામાં આવ્યો. શેર કરતા યૂઝરે એલન મસ્કને પૂછ્યું કે શું ભવિષ્યમાં સ્ટારશીપ કોઈ આવી યોજના લાવી શકે છે? જેનાથી મુસાફરીનો સમય ઘટાડી શકાય, જેના જવાબમાં મસ્કે કહ્યું કે ચોક્કસપણે આજના સમયમાં બિલકુલ શક્ય છે. 



ઈનોવેશનથી બદલાતી દુનિયા
એલન મસ્કની આ યોજના  ફક્ત ટ્રાન્સપોર્ટેશનની દુનિયામાં ક્રાંતિ લાવવાની સાથે સાથે પર્યાવરણ, સમય અને સંસાધનોની બચતમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો કે ટેક્નોલોજી અને કાનૂની મંજૂરી જેવા પહેલુઓ પર હજુ કામ કરવાનું બાકી છે. પરંતુ મસ્કનો આત્મવિશ્વાસ એ વાતનો સંકેત છે કે ભવિષ્યનું ટ્રાવેલ પહેલા કરતા વધુ ફાસ્ટ અને સુવિધાજનક થવાનું છે.