આપણા બધા માટે સ્માર્ટફોન એક કેમેરા, એક કેલક્યુલેટર, એક ફોટો આલ્બમ, રિમાઈન્ડર સહિત અનેક ઉપયોગ માટેનો સિંગલ ડિવાઈસ બનેલો છે. અનેક કામ આપણે એક ફોન દ્વારા પૂરા કરી લેતા હોઈએ છીએ. જેના કારણે ફોનની દિન પ્રતિદિન જરૂરિયાત વધી રહી છે. ફોન આપણા હાથથી જાણે છૂટતો નથી. ઓખો દિવસ ફોન સ્ક્રોલ કર્યા બાદ જ્યારે ફોનની બેટરી 0 ટકા થઈ જાય ત્યારે જઈને આપણે ફોનને ચાર્જમાં મૂકતા હોઈએ છીએ. એટલે સુધી કે કેટલાક લોકો માટે તો મોબાઈલ ફોન પૈસા રાખવા માટેના પર્સ જેવો પણ હોય છે. જેમાં તેઓ કઈને કઈ ચીજો મોબાઈલના કવરમાં મૂકી દેતા હોય છે. આ રીતની ભૂલ તમને કેટલી ભારે પડી શકે? તમને કદાચ તેનો અંદાજો પણ ન હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આથી જરૂરી છે કે સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તમે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખો. બેદરકારી તમને ભારે પડી શકે છે અને પછી ગમે ત્યારે તમારો ફોન બ્લાસ્ટ થઈ શકે છે. જાણો કઈ કઈ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. 


ફોન કેવી રીતે ફાટી શકે
આમ તો ફોન બોમ્બની જેમ ફાટવાના અનેક કારણો હોઈ શકે છે. પરંતુ તેમાંનું એક કારણ એ છે કે તમારો ફોન જ્યારે બહુ ગરમ થઈ જાય ત્યારે તેનું પાછળનું કારણ પ્રોસેસર પર વધુ જોર પડવું એ હો છે. આ ઉપરાંત બેટરી ખરાબ થઈ જવી કે બેટરીમાં કોઈ પ્રકારની સમસ્યા થવી એ પણ ફોન ફાટવાનું કારણ માનવામાં આવે છે. 


કેવી રીતે બેટરીનો ખ્યાલ રાખવો
તમારે તમારા ફોનની બેટરીનો ખ્યાલ રાખવો જોઈએ. તમારા ફોનને હદ કરતા વધુ ચાર્જ ન કરો. બેટરી સંપૂર્ણ રીતે પૂરી થઈ ગયા બાદ ચાર્જ કરવાની વૃત્તિ ન રાખો. કોશિશ કરો કે જ્યારે ફોનની બેટરી 20 ટકા જેટલી હોય ત્યારે જ તેને ચાર્જિંગ પર લગાવી દો. આ ઉપરાંત ફોનને હદથી વધુ એટલે કે 100 ટકાથી વધુ ચાર્જ કરવાની કોશિશ ન કરો. 99 ટકા થાય એટલે ચાર્જિંગમાંથી હટાવી દો. 


કયા ચાર્જરથી ચાર્જ કરવો? 
મોટાભાગે લોકો પોતાના ફોનને ગમે તે ચાર્જરથી ચાર્જ  કરી લે છે. પરંતુ તમારા ફોન માટે આ સારી વાત નથી. તમારા ફોનની બેટરી પર ભાર પડે છે અને તેની અસર પ્રોસેસર ઉપર પણ પડે છે. જે બાદમાં ફોન ફાટવાનું કારણ બની શકે છે. 


કવરમાં પૈસા રાખો છો?
જો તમને પણ એવી આદત હોય કે તમે તમારા ફોનના કવરની પાછળના ભાગમાં પૈસા રાખતા હોવ તો આ આદત અત્યારે જ દૂર કરી નાખજો કારણ કે આ પ્રકારની આદત પણ ફોન ફાટવાનું કારણ બની શકે છે. ફોનના કવરમાં કશું રાખવું જોઈએ નહીં. એટલે સુધી કે ફોનની પાછળનું બેક કવર લગાવવું પણ ફોન માટે સારું માનવામાં નથી આવતું. તેનાથી ફોન ગરમ થઈ જાય છે અને પછી ફાટવાનો ડર રહે છે. 


ચાર્જિંગ પર લાગેલો ફોન યૂઝ કરો છો?
ચાર્જિંગ પર ફોન લગાવીને ઉપયોગમાં લેવો એ સારી વાત નથી. ચાર્જિંગ પર મૂકેલા ફોનથી વાત કરવી કે કોઈ પણ પ્રકારનો તેનો ઉપયોગ યોગ્ય નથી ગણાતું. આથી જો તમે આમ કરતા હોવ તો ફોનને ખરાબ કરી રહ્યા છો. એટલું જ નહીં તે વિસ્ફોટ થવાનું કારણ પણ બને છે. 


બેગ કે પોકેટમાં રાખવાથી ફાટી શકે?
અનેક એવા કેસ જોવા મળ્યા છે કે બેગ કે પોકેટમાં રાખેલા ફોન ફાટ્યા હોય. મોટાભાગે કેસ ઉનાળામાં જોવા મળે છે. જો તમે પણ તમારા ફોનને પોકેટ કે બેગમાં રાખતા હોવ તો વધુ ગરમી થઈ જતા તે ફોન ગરમ થઈ જાય છે અને તેના પ્રોસેસર પર વધુ અસર થાય છે ત્યારબાદ ફોન ગરમ થાય તો ફાટી પણ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube