કેવી રીતે કરવી સોલારની જાણવણી? આ વાતનું ધ્યાન રાખશો તો નહીં આવે કોઈ ખર્ચો
World Environment Day: શું તમારા ઘરે પણ ધાબા પર સોલર પેનલ લગાવેલી છે? તો આ સોલર પેનલની સાફ-સફાઈ મેન્ટેનન્સ અને જાળવણી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
Solar Panel Maintenance: સૌર ઉર્જાનો ઉપયોગ કરીને તમે કરી શકો છો વીજ બિલની બચત. જેને માટે હવે સરકાર પણ સામે ચાલીને આપે છે સબસીડી. શું તમારા ઘરે પણ તમે સોલાર પેનલ લગાવેલી છે? જો તમારા ત્યાં તમે આ પેનલ લગાવી હોય તો આ આર્ટિકલમાં આપવામાં આવેલી મીહિતી તમારા માટે ખુબ મહત્ત્વની બની રહેશે.
આજે 5 મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરીશું નેચરલ એનર્જીની. બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ અને વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની અસરો વર્તાઈ રહી છે. એવામાં ઉર્જાના નવા સ્ત્રોતો પણ ઉભા કરવા હવે આવશ્યક બન્યા છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો હવે પર્યાપ્ત રહ્યાં નથી. આવી સ્થિતિમાં નેચરલ એનર્જી પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. સૌર ઉર્જાના ઉપયોગથી ઘરની લાઈટો ચાલે અને ત્યાં સુધી કે તેનાથી તમારા ઘરનું વાહન ચાલે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યાવરણ જાળવણી માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો અને એમાંય ખાસ કરીને સૂર્યઊર્જાનો ઉપયોગ ઘરે ઘરે જાણીતો બન્યો છે. સોલાર પેનલની જાળવણી માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું આવશ્યક છે. શું તમારા ઘરે પણ ધાબા પર સોલર પેનલ લગાવેલી છે? તો આ સોલર પેનલની સાફ-સફાઈ મેન્ટેનન્સ અને જાળવણી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
કેવી રીતે રાખશો સોલાર સિસ્ટમની બેટરીનું ધ્યાનઃ
મહિનામાં એકવાર બેટરીનું નિયમિત મૂલ્યાંકન અને બેટરીની સફાઈ કરવી આવશ્યક છે. બેટરીમાં ક્યાંય ઇલેક્ટ્રોલાઇટ લીક હોય કે તિરાડો હોય અથવા કનેક્ટર્સ અને ટર્મિનલ્સ પર કાટની હાજરી હોય એ ચેક કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ. સિસ્ટમની બેટરીઓ ક્લીન, ડ્રાય અને કાટ તથા ઇલેક્ટ્રોલાઇટ્સથી મુક્ત હોવી જોઈએ.
સોલર પેનલની ખામી ખામી અંગે કેવી રીતે કરશો તપાસ?
તિરાડો, ચિપ્સ, ડી-લેમિનેશન, ધુમ્મસવાળું ગ્લેઝિંગ, પાણીનું ગળતર અને વિકૃતિકરણ જેવી સંભવિત ખામીઓની જાણકારી મેળવવા માટે સમયાંતરે મોડ્યુલોનું જાતે નિરીક્ષણ કરવું જોઈએ અથવા ટેક્નિશિયન પાસે તપાસ કરાવવી જોઇએ.
જો કોઈ પેનલમાં કે ભાગમાં સ્પષ્ટ ખામી જોવા મળે તો તે પેનલ કે ભાગનું સ્થાન નોંધીને તેના ઊર્જા ઉત્પાદનનું નિરીક્ષણ કરવું જોઈએ.
જો નુકસાનને કારણે સોલર મોડ્યુલ તેના નક્કી કરેલા આઉટપુટ કરતાં ઓછું પ્રદર્શન કરે તો તેને બદલાવવું જોઈએ.
સોલર પેનલ્સની જાળવણી માટે શું કરવું?
- તમારા સોલર પેનલ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી પેનલ સર્વિસિંગ વિશેની તમામ માહિતી રાખો અને સમયાંતરે આ પ્રમાણે સર્વિસ કરાવો.
- સૌર પેનલ્સના ઇન્વર્ટરમાં લીલી બત્તી ચાલુ છે કે કેમ તે ચેક કરવું. લીલી બત્તી બંધ હોય કે યોગ્ય રીતે ન ચાલુ હોય તો તે મોડ્યુલમાં ખામી સૂચવે છે.
- સૌર પેનલ્સને છાંયડાથી દૂર રાખો. કારણ કે જ્યારે પેનલનો અમુક ભાગ છાંયડામાં હોય ત્યારે સૂર્યપ્રકાશનું યોગ્ય અવશોષણ થઈ શકતું નથી, જેથી ઊર્જા ઉત્પાદન બિનકાર્યક્ષમ બની જાય છે.
- સૌર પેનલ્સના ઊર્જા ઉત્પાદનનું યોગ્ય મોનિટરિંગ કરવું જોઈએ. સામાન્ય દિવસોમાં કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તે ચકાસવું જોઈએ. જેથી કરીને સોલાર પેનલ અને મોડ્યુલના પરફોર્મન્સ અને તેની કામગીરી યોગ્ય છે કે કેમ તેની જાણકારી મેળવી શકાય.