આ ચાર્જર કંપની કેરાલામાં ઈવી ચાર્જીંગ સ્ટેશન્સને આપશે વેગ, લાંબી કતારોમાંથી મળશે છુટકારો
ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારને સુગમતા માટે ટાયરેક્સ ચાર્જરએ એક્સક્લુઝિવ મોબાઈલ એપ્પ માટે જીઓઈસી ઓટોટેક સાથે ભાગીદારી કરી છે. આ એપ્લિકેશન તમામ 29 ઈવી ચાર્જીંગ સ્ટેશન્સ અંગે તથા ચાર્જીંગ પોઈન્ટસની રિયલ ટાઈમ ઉપલબ્ધિ અંગે માહિતી આપશે.
EV charging stations: ઈલેક્ટ્રિક વાહનો (EV) માટેના ચાર્જરનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ટાયરેક્સ ચાર્જરએ કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ (KSEBL) સાથે રાજયમાં ઈવી ચાર્જીંગ સ્ટેશનની ચેઈન સ્થાપવા માટે ભાગીદારી કરી છે. ટાયરેક્સ ચાર્જર કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ સાથેની ભાગીદારીમાં કેરાલામાં 29 ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપ્યા છે. દરેક સ્ટેશન એસી અને ડીસી ફાસ્ટ જેવા બંને પ્રકારના ચાર્જીગ માટેના 12 ચાર્જીંગ પોઈન્ટની જોગવાઈ છે.
ટાયરેક્સ ચાર્જરના સીઈઓ અને સહસ્થાપક અર્થ પટેલે જણાવ્યું હતું કે “અમે કેરાલામાં જે ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપી રહ્યા છીએ તે કદની દ્રષ્ટિએ પેટ્રોલ પંપ જેવા છે. સામાન્ય રીતે સરેરાશ ચાર્જીંગ સ્ટેશન્સ માત્ર ફોર વ્હિલરના ચાર્જીંગ માટે એક અથવા બે ચાર્જીંગ પોઈન્ટ ધરાવતા હોવાના કારણે વપરાશકારને અગવડ પડે છે અને ફોર વ્હિલર્સ અને ટુ વ્હિલર્સની તથા હેવી ઈલેક્ટ્રિક વાહનોની લાંબી કતારો લાગે છે. આ 29 સ્ટેશનોમાં કુલ 200 ઈવી ચાર્જીંગ પોઈન્ટસ છે.” ટાયરેક્સ ચાર્જરને આ કોન્ટ્રાક્ટ 29 ઈવી ચાર્જીંગ સ્ટેશન્સ માટે મળ્યો છે. આ સ્ટાર્ટઅપ અન્ય રાજ્યોમાં પણ નવા ઈવી ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપવા ઝડપભેર કામ કરી રહ્યું છે.
કેરાલાના ઉદ્યોગ પ્રધાન પી. રાજીવે આ સપ્તાહની શરૂઆતમાં ચાર્જીંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું હતું કે “કેરાલામાં ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપવા માટેની આ ભાગીદારી કેરળને ઈવી ફ્રેન્ડલી સ્ટેટ બનાવવાના અમારા આયોજન મુજબ હાથ ધરાઈ છે. આ સ્ટેશન્સ જે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદી ચૂક્યા છે તેમના માટે ખૂબ જ સહાયરૂપ થશે અને સાથે સાથે અન્ય લોકોને પણ ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહન પૂરૂં પાડશે. જેમ જેમ વધુને વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળશે તેમ તેમ અમે અમારા રાજ્યમાં વાહનોના પ્રદુષણનું સ્તર ઘટાડી શકીશું.”
આ ચાર્જીંગ સ્ટેશનના ઉદ્દઘાટન પ્રસંગે કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ (KSEBL)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. બી. અશોક અને કેએસઈબીએલના અન્ય ડિરેક્ટર્સ આર સુકુ, વી મુરૂગદાસ અને ટાયરેક્સ ચાર્જરના સીઈઓ અને સહસ્થાપક અર્થ પટેલ પણ હાજર રહ્યા હતા. કેરાલામાં આશરે 1800 ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ, 1500 થ્રી વ્હિલર્સ અને 2000થી વધુ ફોર વ્હિલર્સ છે.
ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારને સુગમતા માટે ટાયરેક્સ ચાર્જરએ એક્સક્લુઝિવ મોબાઈલ એપ્પ માટે જીઓઈસી ઓટોટેક સાથે ભાગીદારી કરી છે. આ એપ્લિકેશન તમામ 29 ઈવી ચાર્જીંગ સ્ટેશન્સ અંગે તથા ચાર્જીંગ પોઈન્ટસની રિયલ ટાઈમ ઉપલબ્ધિ અંગે માહિતી આપશે. આ ઉદ્દઘાટન પ્રસંગે અર્થ પટેલે જણાવ્યું હતું કે “આ એપ્પના ઉપયોગથી બિનજરૂરી લાંબી કતારો ટાળી શકાશે અને વપરાશકર્તાઓને તકલીફ મુક્ત અનુભવ પ્રાપ્ત થશે.”
ચાર વર્ષ જૂનું આ સ્ટાર્ટઅપ આ મહિનાના પ્રારંભમાં બે મિલિયન ડોલર (રૂ.15 કરોડ) ઉભા કરી શક્યું છે અને દેશમાં અત્યાર સુધીમાં 200થી વધુ ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપી ચૂક્યું છે. ટાયરેક્સ ચાર્જર એનટીપીસીને 3800 કીલોવોટના ઈવી ચાર્જર્સ પૂરાં પાડ્યા છે અને તે ફીનલેન્ડની મોટી કંપની ફોરટમ સાથે ઘનિષ્ટપણે કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube