દેશના અનેક રાજ્યોમાં હાલ  ભીષણ ગરમી પડી રહી છે. ગુજરાતમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. હવામાન ખાતાએ તો વળી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. 25મી મે સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાન 45 ડિગ્રી પાર જાય તેવી શક્યતા છે. ત્યારે આવા સમયમાં ઘરની બહાર  રહેવું ચિંતાજનક સ્થિતિ પેદા કરી શકે છે. જો કે કારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજબનું છે આ ફીચર
આ ફીચરનો ઉપયોગ ગરમીઓમાં ત્યારે કરવામાં આવે છે જ્યારે કારની બહારની હવા વધુ ગરમ હોય છે. આ બટનનું નામ છે એર રીસર્ક્યુલેશન  (Air Recirculation). આ બટનને કારના કેબિનને ઝડપથી ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કારના એસીએ બહારની ગરમ હવાને ખેંચીને તેને ઠંડી કરવામાં વધુ મહેનત કરવી પડતી હોય છે. એસીના બ્લોવરને ફૂલ સ્પીડમાં ચલાવીએ તો પણ કાર કેબિનને ઠંડી થવામાં વધુ સમય લાગતો હોય છે. 


આ રીતે કામ કરે છે બટન
કારમાં રહેલું આ એર રીસર્ક્યુલેશન બટન ઓન કરવાથી કારનું એર કંડીશનર બહારની ગરમ હવાને ખેંચતું નથી પરંતુ એર કન્ડીશનર દ્વારા કેબિનની અંદર નાખવામાં આવતી હવાનો જ ઉપયોગ  કરે છે. આ બટનને દબાવ્યા બાદ કારનું એસી કેબિનની હવાને ખેંચે છે, તેને ઠંડી કરીને ફરીથી કેબિનમાં મોકલી દે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એસી ઠંડી હવાને વધુ ઠંડી કરીને કેબિનમાં મોકલે છે. આ રીતે કાર જલદી ઠંડી થઈ જાય છે. 


વધુ સમય ચલાવવું યોગ્ય નથી
એર રીસર્ક્યુલેશન મોડ પર એસીને લાંબા સમય સુધી ચલાવવું એ ઠીક નથી. કારણ કે રીસર્ક્યુલેશન મોડ ગાડીની અંદર રહેલી હવાનો જ વારંવાર ઉપયોગ કરે છે. બહારની તાજી હવા વગર લાંબા સમય સુધી રીસર્ક્યુલેશન મોડનો ઉપયોગ કરવામાં આવે તો કેબિનની અંદરની હવાની ગુણવત્તા ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી હવામાં ભેજ પણ વધી શકે છે. આથી એસીના આ ફીચનો ઉપયોગ ફક્ત કારને જલદી ઠંડી કરવા માટે થોડી પળો માટે જ કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં કારના કેબિનની અંદર કાચમાં ધુમ્મસ આવી જાય તો તેને હટાવવા માટે રીસર્ક્યુલેશન બટનનો ઉપયોગ  કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube