હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ, ગુજરાતમાંથી મળ્યું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન
કચ્છના લખપતની ખટિયા સાઈટમાં ખોદકામ દરમિયાન 4600 થી 5000 વર્ષ જુનું કબ્રસ્તાન મળી આવ્યું છે. પુરાતત્ત્વ વિભાગને કચ્છમાંથી ધોળાવીરા, સિંધુ સંસ્કૃતિ, હડપ્પન સંસ્કૃતિના અનેક અવશેષો મળી ચૂક્યા છે. પુરાતત્ત્વ વિભાગ માટે કચ્છ એક મોટું સંશોધન ક્ષેત્ર બની ગયું છે. ત્યારે ખટિયાથી મળેલી કબ્રસ્તાનમાંથી હાડપિંજર મળી આવ્યું છે. જેમાંથી એક હાડપિંજરના હાથમાં 19 બંગડીઓ મળી આવી છે. યુનિવર્સિટી ઓફ કેરાલાના પુરાતત્ત્વ વિભાગના 24 વિદ્યાર્થીઓ અને કચ્છ યુનિવર્સિટીના 6 વિદ્યાર્થીઓ સાથે ગામના મળી 32 જણ ખોદકામ કરી રહ્યાં છે. ઝીણું ઝીણું ખોદકામ કરી વસ્તુઓને નુકસાન ન થાય તેની કાળજી રખાય છે. જાણકારોના કહેવા પ્રમાણે 5000થી 4600 વર્ષ જૂનું હોઈ શકે છે. ખટીયા સાઇટ નજીકમાં બે જૂના ગામો આવેલ છે. ધનીગઢ અને પડાદાભીટ આ ધ્વંસ થયેલા ગામોની વસ્તીનું કબ્રસ્તાન હોઈ શકે તેવો અંદાજ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. સંશોધનકારો હજુ 20 માર્ચ સુધી અહીં જ રોકાઈને વધુ કાર્ય કરાવવાના છે.