અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન શહેરીજનોને વધુ એક નવલું નજરાણું આપવા જઈ રહ્યું છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ હાલ સાબરમતી નદીના પશ્ચિમ કિનારે વાસણા બેરેજ તરફ બાયોડાયવર્સિટી પાર્કનું અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યુ છે. જે પૂર્ણ થતા ગણતરીના દિવસોમાં તેનું લોકાપર્ણ પણ કરી દેવામાં આવશે. 70 લાખ રૂપિયાના ખર્ચે આંબેડકર બ્રીજથી વાસણા બેરેજની વચ્ચેના 2 હેક્ટરથી વધુના વિસ્તારમાં હાલ આ ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યો છે. તેની વિશેષતાની વાત કરીએ તો, આ પાર્કમાં 120થી વધુ પ્રજાતિના 8 હજારથી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. તો આ સ્થળે 35થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળી શકે છે. સાથે જ વિવિધ પ્રકારના પતંગિયા પણ અહીંના મહેમાન બનશે. ગાર્ડનમાં ગુજરાતમાંથી લુપ્ત થતી પ્રજાતિના વિવિધ છોડ અને વૃક્ષો પણ ઉછેરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે બાયોડાયવર્સિટી પાર્કમાં છોડ અને વૃક્ષોને ઉછેરવા અને તેને જતન માટે સંપૂર્ણ આર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ આ અનોખા ગાર્ડનની આખરી તબક્કાની કામગીરી ચાલી રહી છે. સાથે જ બીજા તબક્કામાં વધુ 50 હજાર ચોરસ મીટર જગ્યામાં નવો ગાર્ડન ઉભો કરવામાં આવશે. જે પ્રકૃતિ પ્રેમીઓ માટે અનેરૂ આકર્ષણ બની રહેશે.