આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. હજુ ગઈ કાલે જ જોવા મળ્યું કે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી. ભાજપ (BJP)ના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા. 36માંથી 26 સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. ગણતરીના કલાકોમાં વળી પાછા કોંગ્રેસના એક નેતાની નારાજગી બહાર આવી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખુલ્લેઆમ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો છે.