દિલ્હી ચૂંટણી: પ્રચાર માટે આજે અંતિમ દિવસ, સાંજે 5 વાગે પ્રચાર પડઘમ થશે શાંત
દિલ્લી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્લી જીતવા જોર લગાવી રહી છે. પીએમ મોદી, અમિત શાહ, દિલ્લી ભાજપના નેતાઓ અને ગુજરાતમાંથી પણ ભાજપે પોતાના નેતાઓને દિલ્લીના પ્રચારમાં ઉતાર્યા છે. સીએમ રૂપાણીએ પાંચ દિવસ દિલ્લીમાં 20 જેટલી જનસભાઓ સંબોધી. હવે ગુજરાત ભાજપના નેતાઓ અંતિમ દિવસે વધુ જોર લગાવશે. ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી દિલ્લીમાં ચૂંટણી પ્રચાર કરશે. 8 ફેબ્રુઆરીએ દિલ્લી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ નેતાઓ ઘરે ઘરે જઈને પ્રચાર કરી શકે છે પરંતુ રેલી કે જાહેર સભાને સંબોધન કરી શકતા નથી. તો આજનો દિવસ દિલ્લીમાં જાહેર સભાઓ અને રેલીઓનો દિવસ બની રહેશે.