મુંબઈ: ટ્રાફિકની લાલ બત્તી માત્ર દુર્ઘટના રોકતી નથી પરંતુ ચાલકોના જીવ પણ બચાવે છે. આ વાતનું ઉદાહરણ ગુરુવારે સાંજે ફૂટઓવર બ્રિજ દુર્ઘટના સમયે જોવા મળ્યું. બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો ત્યારે ટ્રાફિક સિગ્નલ પર લાલ બત્તીના કારણે અનેક કાર અને વાહનચાલકો રોકાઈ ગયા હતાં જેના કારણે તેઓ દુર્ઘટનાનો શિકાર થતા થતા રહી ગયાં. લાલ બત્તી ન હોત તો મોટરચાલકો સીએસએમટી રેલવે સ્ટેશનની પાસે જે બ્રિજ તૂટી પડ્યો તેની નીચેથી પસાર થઈ રહ્યાં હોત અને અકસ્માતનો શિકાર બની ગયા હોત. આ બ્રિજ ભીડભાડવાળા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન સાથે જોડતો હતો.