કેન્દ્ર સરકારની ફાસ્ટટેગ યોજનાનો આજથી તમામ નેશનલ હાઇવે પર અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદથી જોડાયેલા તમામ નેશનલ હાઇવે પર ફાસ્ટટેગની લેન અલગ કરી દેવામાં આવી છે અને જે વાહનચાલકોએ હજુ સુધી ફાસ્ટટેગ નથી લીધા તેમના માટે રોકડ ટોલ ભરવાની લેન અલગ કરી દેવાઈ છે. જોકે, ઝી મીડિયાના રિયાલિટી ચેકમાં ફાસ્ટટેગની લેનમાં વાહન ઝડપથી પસાર થતા જોવા મળ્યા હતા અને રોકડ ટોલ ભરવાની લેનમાં લાંબી કતારો જોવા મળી હતી. હજુ પણ ઘણા નાગરિકો ફાસ્ટટેગ યોજનાથી અજાણ જોવા મળ્યા હતા અને બીજા નાગરિકો જાણી જોઈને ફાસ્ટટેગ લગાવવાથી બચતા જોવા મળ્યા હતા. કેટલાક નાગરિકોનું માનવું હતું કે, ફાસ્ટટેગથી તેમના સમયમાં બચત થશે તો કેટલાક નાગરિકો માની રહ્યા છે કે, ફાસ્ટટેગ સહેલાઈથી નાગરિકો સુધી પહોંચવું જોઈએ.