દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે. જેને પગલે બે દિવસ પહેલા જ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા હતા, અને જ્યાં સુધી સંકટ ન ટળે ત્યાં સુધી માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હાલ તો માછીમારોના માટે તેના કરતા પણ મોટું સંકટ આવ્યું છે. માછીમારોએ તોફાનને પગલે પોતાની બોટ દરિયા કિનારે લાંગરી હતી, પરંતુ હવે તોફાનને કારણે બોટને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. ગઈકાલે રાજપરા બંદરે એક હોડી ઊંધી પડતા યુવાન ડૂબ્યો હતો. તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે.