દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, મૃતકોની સૂચિ જાહેર કરાઈ
સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ગુરુવારે થયેલા બસ અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા જેમાંથી 12 ભારતીયો છે.
દુબઈ: સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ગુરુવારે થયેલા બસ અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા જેમાંથી 12 ભારતીયો છે. અકસ્માતમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ અને અહીં કાર્યરત ભારતીય મિશને શુક્રવારે આ જાણકારી આપી.
આ અકસ્માત ગુરુવારે સાંજે થયો. કમનસીબ બસ ઓમાનની રાજધાની મસ્કતથી દુબઈ આવી રહી હતી. બસ ચાલક બસ માટેના પ્રતિબંધિત વિસ્તાર અલ રશીદિયા મેટ્રો સ્ટેશન તરફ જતા રસ્તે બસ લઈ ગયો. દુબઈ પોલીસના જણાવ્યાં મુજબ મૃતદેહોની ઓળખ હજુ થઈ શકી નથી અને મૃતકોમાં ભારતીયોનો આંકડો હજુ વધી શકે છે.
દુબઈમાં મહાવાણિજ્ય દૂત વિપુલે ટ્વિટ કરીને કહ્યું કે અમને સૂચના આપતા ખુબ દુ:ખ થઈ રહ્યું છે કે દુબઈ બસ અકસ્માતમાં મૃતક ભારતીયોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલ અમારા પ્રયત્નો છે કે જેમ બને તેમ જલદી ઔપચારિકતા પૂરી થાય જેથી કરીને મૃતદેહોની સોંપણી થઈ શકે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યાં મુજબ પર્યટક બસમાં 31 લોકો સવાર હતાં. તે એક બેરિયર સાથે અથડાઈ. તેનો ડાબો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો જેનાથી ડાબી બાજુ બેઠેલા મુસાફરોના મોત થયાં.
જુઓ LIVE TV