કાબુલ: ઉત્તર અફઘાનિસ્તાનમાં બે પાસ પાસેની ચોકીઓ પર તાલિબાને કરેલા હુમલામાં ઓછામાં ઓછા 30 સૈનિકો અને પોલીસકર્મીઓ માર્યા ગયા છે. અધિકારીઓએ આજે આ જાણકારી આપી. ઉત્તરી બગલાન પ્રાંતીય પરિષદના પ્રમુખ મોહમ્મદ સફદર મોહસેનીએ જણાવ્યું કે બગલાન એ મરકઝીમાં ગઈ કાલે મોડી રાતે થયેલા હુમલા બાદ આતંકીઓએ તપાસ ચોકીમાં આગ લગાવી દીધી. બગલાનથી સાંસદ દિલાવર અયમાકે હુમલાની પુષ્ટિ કરી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ગઝનીમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા અને કેટલીક દુકાનો ફરીથી ખોલી. ગત શુક્રવારે અહીં તાલિબાને હુમલો કર્યો હતો. પ્રાંતીય રાજ્યપાલના પ્રવક્તા આરિફ નૂરીએ જણાવ્યું કે હાલના દિવસોમાં 35 નાગરિકો માર્યા ગયા બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે જો કે શહેરની હોસ્પિટલમાં હજુ પણ ઘાયલો આવી રહ્યાં છે. 


પ્રાંતિય પોલીસ પ્રમુખ મુસ્તફા માયરે જણાવ્યું કે દક્ષિણી જાબુલ પ્રાંતમાં આજે સવારે એક પોલીસ તપાસ ચોકી પર થયેલા હુમલામાં ચાર પોલીસકર્મીઓના મોત થયાં. તેમણે જણાવ્યું કે હુમલામાં 3 અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. સુરક્ષાદળો અને તાલિબાન વચ્ચે થયેલા સંઘર્ષમાં સાત હુમલાખોરો માર્યા ગયાં અને પાંચ ઘાયલ થયા (ઈનપુટ ભાષા)