ઈરાક: ટિગરિસ નદીમાં હોડી ડૂબતા 19 બાળકો સહિત 94 લોકોના દર્દનાક મોત
ઈરાકના મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં એક નૌકા ડૂબવાથી ઓછામાં ઓછા 94 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતાં. તેઓ કુર્દ નવવર્ષ ઉજવી રહ્યાં હતાં. અધિકારીઓએ આ જાણકારી આપી.
બગદાદ: ઈરાકના મોસુલ શહેર નજીક ટિગરિસ નદીમાં એક નૌકા ડૂબવાથી ઓછામાં ઓછા 94 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતાં. તેઓ કુર્દ નવવર્ષ ઉજવી રહ્યાં હતાં. અધિકારીઓએ આ જાણકારી આપી.
ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દેલ મહદીએ ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી અને આ અકસ્માત માટે જવાબદાર લોકોની માહિતી મેળવવા માટે જલદી તપાસના આદેશ આપ્યાં. ઉત્તર નાઈનવેહ પ્રાંતમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે જણાવ્યું કે ઘટના ગુરુવારે ત્યારે ઘટી જ્યારે મોટી સંખ્યામાં લોકો નવરોઝ મનાવવા માટે બહાર નીકળ્યા હતાં. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ જણાવ્યું કે સર્ચ અભિયાન હજુ પણ ચાલુ છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે 94 લોકોના મોત થયા છે. જ્યારે 55 અન્ય લોકોને બચાવવામાં આવ્યાં છે. મંત્રાલયના પ્રવક્તા સાદ માને જણાવ્યું કે મૃતકોમાં ઓછામાં ઓછા 19 બાળકો સામેલ છે. વડાપ્રધાને જણાવ્યું કે અકસ્માતમાં 61 મહિલાઓ મૃત્યું પામી છે. ઈરાકમાં હાલના વર્ષોમાં જેહાદી હુમલા અને યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે પરંતુ આ પ્રકારના અકસ્માતો થવા એ સામાન્ય નથી. ઈરાકના ન્યાય મંત્રાલયે જણાવ્યું કે તેમણે નૌકા કંપનીના નવ અધિકારીઓની ધરપકડના આદેશ આપ્યાં છે.