નવી દિલ્હીઃ પંજાબના ગેંગસ્ટર્સ અને માફિયા તેમજ ખાલિસ્તાની અલગાવવાદીઓની મિલીભગત દુનિયાથી છૂપી નથી. ગેંગસ્ટર્સ પોતાના નેટવર્કના વિસ્તરણ માટે ખાલિસ્તાની અલગાવવાદીઓની મદદ લે છે, અને ખંડણી તરીકે ઉઘરાવેલા નાણાનો વહીવટ અને રોકાણ કરે છે. સામે ખાલિસ્તાનીઓ પણ ગેંગસ્ટર્સની મદદ લે છે. કેવી રીતે ચાલે છે આ સમગ્ર નેટવર્ક, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ખાલિસ્તાની ચળવળમાં કોઈને રસ નથી, આ જ કારણ છે કે હરદીપસિંહ નિજ્જર અને ગુરપતવંત સિંહ પન્નૂ જેવા આતંકીઓ કેનેડા સહિતના દેશમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવે છે. આતંકીઓના આ નેટવર્કમાં ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર્સ પણ જોડાઈ જાય છે, આમ કરવાથી તેમને વિદેશમાં છૂપાવાનું અને ઉઘરાવેલી ખંડણીનું રોકાણ કરવાનું સલામત ઠેકાણું મળી રહી છે. સામે ખાલિસ્તાની આતંકીઓ જરૂર પડ્યે ગેંગસ્ટર્સનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.


આ જ બાબત કેનેડાની પણ મોટી ભૂમિકા છે. ભારતની નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સીએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. NIAનું માનીએ તો ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સ ભારતમાં ઉઘરાવેલી ખંડણીની રકમને હવાલા દ્વારા કેનેડા અને થાઈલેન્ડ મોકલે છે. ત્યાં આ પૈસાનો હિંસા ફેલાવવા ઉપયોગ કરાય છે, તેમજ રોકાણ કરાય છે. ખંડણીના પૈસામાંથી વિદેશોમાં લક્ઝરી યૉટ અને કેનેડા પ્રીમિયર લીગ જેવા પ્લેટફોર્મમાં રોકાણ કરાય છે. NIAનું માનીએ તો લોરેન્સ બિશ્નોઈએ 2019થી 2021 વચ્ચે 13 વખત 5 લાખથી 60 લાખ રૂપિયા સુધીની રકમ કેનેડા અને થાઈલેન્ડ મોકલી હતી. 


આ પણ વાંચોઃ ભારતના દબાણ બાદ કેવી રીતે હરકતમાં આવ્યું ખાલિસ્તાની આતંકીઓને પંપાળતું કેનેડા?


લોરેન્સ બિશ્નોઈ પોતાના ખાસ સાથીદાર ગોલ્ડી બરારના માધ્યમથી કેનેડામાં સક્રિય ખાલિસ્તાની સંગઠનોના સંપર્કમાં હતો. ખંડણી તેમજ દારૂ અને હથિયારોની તસ્કરી દ્વારા ભારતમાં ઉઘરાવવામાં આવેલા પૈસાને ગોલ્ડી બરાર ઠેકાણે લગાવતો હતો. આ માટે ગોલ્ડી બરારને ટુકડે ટુકડે પૈસા મોકલવામાં આવતા હતા. લોરેન્સ બિશ્નોઈએ થાઈલેન્ડમાં મનીષ ભંડારી નામના એક વ્યક્તિને પણ હવાલા દ્વારા રૂપિયા મોકલ્યા છે. આ પૈસાનું રોકાણ નાઈટ ક્લબ અને બારમાં કરવામાં આવતું હતું. 


એટલે કે  ખાલિસ્તાનની ચળવળની આડમાં ગેંગસ્ટર્સ અને ખાલિસ્તાની આતંકીઓનું વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, તેમ છતાં કેનેડા સરકાર જાગતી નથી. આતંકની આ આગ દઝાડે તેવી બને તે પહેલાં કેનેડાએ જાગી જવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube