અમેરિકામાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? જાણો કોણ છે સંજય વાધવા અને તેજલ શાહ
અદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરનારાઓમાં પાંચ મહત્વના પાત્રો છે. જેમાંથી બે ભારતીય મૂળના છે. જે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન સાથે જોડાયેલા છે. ખાસ જાણો તેમના વિશે.
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પર એક કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચનો આરોપ લાગ્યો છે. આ આરોપ અમેરિકામાં લાગ્યો છે અને આ મામલે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ પણ બહાર પાડ્યું છે. ન્યૂયોર્કની કોર્ટમાં એક અભિયોગ (Indictiment) દાખલ કરાયો છે. આ એક પ્રકારની ચાર્જશીટ હોય છે જેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે તેમણે ભારતમાં એક સોલર એનર્જીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી ઓફિસરોને કરોડો ડોલરની લાંચ (લગભગ 2000 કરોડ રૂપિયા આસપાસ)ની ઓફર કરી હતી.
અમેરિકાના સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ એવો આરોપ લગાવ્યો છે કે અદાણી અને તેમના સહયોગીઓએ સરકારી ઓફિસરોને આ કથિત લાંચ એટલા માટે આપી કારણ કે તેમને આ પ્રોજેક્ટથી આગામી 20 વર્ષમાં લગભગ બે અબજ ડોલર એટલે કે લગભગ 17 હજાર કરોડ રૂપિયાનો નફો થવાનો અંદાજ હતો. હવે સવાલ એ ઉઠે છે કે પ્રોજેક્ટ ભારતનો હતો, લાંચ ભારતીય ઓફિસરોને અપાઈ તો અમેરિકામાં કેસ કેમ થયો? આવું એટલા માટે કારણ કે લાંચ આપવાની વાત અમેરિકાના રોકાણકારોથી છૂપાવવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
આ સમગ્ર મામલો અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યોર પાવર સાથે સંકળાયેલો છે. આ વર્ષ ઓક્ટોબરમાં ન્યૂયોર્કની કોર્ટમાં આ કેસ દાખલ થયો હતો. અભિયોગ મુજબ અદાણી ગ્રીન એનર્જીને ભારતની સરકારી કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને 12 ગીગાવોટ સોલર એનર્જી આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાંથી અદાણી ગ્રીન એનર્જી 8 ગીગાવોટ અને એઝ્યોર પાવર 4 ગીગાવોટ વીજળી સપ્લાય કરતા હતા. SECI એ આ વીજળી દેશની પાવર કંપનીઓને વેચવાની હતી, પરંતુ ખરીદાર મળતા નહતા. આવામાં અદાણી અને તેના સહયોગીઓએ સરકારી ઓફિસરોને એટલા માટે લાંચ આપી કારણ કે તેઓ SECI પાસેથી વીજળી ખરીદે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, તમિલનાડુ અને જમ્મુ કાશ્મીરની વીજળી કંપનીઓ સાથે ડીલ કરાઈ.
આ કરાર હેઠળ આંધ્ર પ્રદેશ 2000 મેગા વોટ, ઓડિશા 500 મેગાવોટ, છત્તીસગઢ 300 મેગાવોટ, તમિલનાડુ 1000 મેગાવોટ ને જમ્મુ કાશ્મીર 100 મેગાવોટ વીજળી ખરીદતા હતા. આ તમામ કરાર ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે થયા હતા. આ સમગ્ર મામલે કુલ આઠ આરોપી છે. જેમાં ગૌતમ અદાણી, સાગર અદાણી, વિનિત જૈન, રંજીત ગુપ્તા, સિરિલ કેબાનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ સામેલ છે.
કથિત લાંચના બે કેસ
કથિત લાંચ આપવાના આરોપમાં અદાણી અને તેમના સહયોગીએ વિરુદ્ધ અમેરિકામાં બે કેસ છે. એક કેસની તપાસ એફબીઆઈ કરી રહી છે. જ્યારે બીજો કેસ સિક્યુરિટી એક્સચેન્જ કમિશન તરફથી ચલાવવામાં આવી રહ્યો છે. અદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરનારાઓમાં પાંચ મહત્વના પાત્રો છે. જેમાંથી બે ભારતીય મૂળના છે. જે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન સાથે જોડાયેલા છે.
કોણ છે તે ભારતીયો મૂળના લોકો?
1. સંજય વાધવા-ભારતીય મૂળના અમેરિકી નાગરિક સંજય વાધવા SEC ની ઈન્ફોર્સમેન્ટ ડિવિઝનના એક્ટિંગ ડાયરેક્ટર છે. આ ડિવિઝનના કામ અપરાધ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું છે અને નુકસાન ઉઠાવનારા રોકાણકારોને તેમના પૈસા પાછા અપાવવાનું છે. વાધવાએ આ વર્ષે 11 ઓક્ટોબરે આ જવાબદારી સંભાળી હતી.
2. તેજલ શાહ- SEC ની ન્યૂયોર્ક ઓફિસમાં ઈન્ફોર્સમેન્ટ ડિવિઝિનના એસોસિએટ રિજિઓનલ ડાયરેક્ટર છે. કથિત લાંચ આપવાની તપાસ તેજલ શાહની દેખરેખમાં જ થઈ રહી છે. તેઓ 2014થી SEC સાથે જોડાયેલા છે. ગત વર્ષે જ તેમની એસોસિએટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થઈ હતી.
હવે આગળ શું
અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છ. અદાણી ગ્રુપે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અદાણી ગ્રીન એનર્જીના ડાયરેક્ટર્સ પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. અદાણી ગ્રુપે કાનૂની કાર્યવાહી કરવાની વાત કરી છે. અભિયોગ (Indictiment) આવતાની સાથે જ આરોપી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઈશ્યુ થઈ જાય છે. આવી સ્થિતિમાં આરોપીએ કાં તો પોતાને અથવા તો વકીલ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવાનો હોય છે.
અભિયોગ આવ્યા બાદ અદાણી અને તેમના સહયોગીએ તેને પડકારી શકે છે. જો અહીં રાહત ન મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. કથિત લાંચના કેસમાં આરોપીઓ પર કોર્ટે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) લગાવ્યો છે. આ કાયદા હેઠળ દોષિત ઠરવા પર પાંચ વર્ષ જેલ કે કેદ અથવા દો બંનેની સજા થઈ શકે છે.