કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની સુપ્રસિદ્ધ હોટલ ઈન્ટરકોન્ટિનેન્ટલ પર શનિવારે ચાર બંદૂકધારી આતંકીઓ હુમલો કરીને દહેશત ફેલાવી દીધી. આતંકીઓએ હોટલમાં પ્રવેશીને અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ અકસ્માતમાં 10 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ કાર્યવાહી કરીને હોટલને ઘેરી લીધી છે. અત્યાર સુધી 2 આતંકીઓના માર્યા ગયા હોવાની માહિતી મળી છે. કાર્યવાહી હજુ ચાલુ છે. આતંકીઓએ અનેક લોકોને હોટલમાં બંધક બનાવ્યાં છે અને કેટલાય ભાગોને આગ લગાવી દીધી છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન મુજબ રાજધાનીની એક ફાઈવસ્ટાર હોટલ પર આતંકી હુમલો થયો છે અને સુરક્ષાદળોએ સમગ્ર હોટલની ઘેરાબંધી  કરી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ 28 જૂન 2011ના રોજ આ જ હોટલ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 21 લોકોના મોત થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર આતંકીઓએ કર્યો હુમલો
ગુપ્તચર એજન્સી રાષ્ટ્રીય સુરક્ષા મહાનિદેશાલય(એનડીએસ)ના એક અધિકારીના જણાવ્યાં મુજબ ચાર હુમલાખોરો હોટલની અંદર ઘૂસ્યા અને તેમણે ત્યાં હાજર મહેમાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકીઓએ હોટલમાં પ્રવેશ કરતી વખતે નાના હથિયારો અને ગ્રેનેડથી હુમલો કર્યો. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 


હોટલના અનેક હિસ્સાઓમાં લગાવી આગ
ગૃહ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યાં મુજબ આતંકી હોટલના ત્રીજા અને ચોથા માળે સુરક્ષાકર્મીઓ સામે લડી રહ્યાં છે. કેટલી જાનહાનિ થઈ તે અંગે હજુ જાણકારી નથી. પરંતુ તેમણે કિચનને આગ લગાવી દીધી છે. એનડીએસ અધિકારીએ જણાવ્યું કે હોટલના ચોથા માળે પણ આગ લગાવવામાં આવી છે. આ હુમલો સ્થાનિક સમય મુજબ રાતે 9 વાગે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન તાલિબાને લીધી છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ હોટલનો વીજ પૂરવઠો બંધ કરી દીધો છે અને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષાદળોને હોટલની છત પર ઉતારવામાં આવ્યાં છે. 



અગાઉ વર્ષ 2011માં આ જ હોટલ પર થયો હતો હુમલો
આ હોટલ પર બીજીવાર આ પ્રકારે આતંકી હુમલો  થયો છે. અગાઉ 28 જૂન 2011માં પણ ઈન્ટરકોન્ટિનેન્ટલ પર હુમલો થયો હતો. આ હુમલામાં 21 લોકોના મોત થયા હતાં. 5 કલાકની કાર્યવાહી બાદ સુરક્ષાદળોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતાં.