કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આજ સવારથી જ બેકાબૂ સ્થિતિ છે. તાલિબાનના રાજથી બચવા માટે હજારોની સંખ્યામાં લોકો દેશની બહાર જવા માટે પડાપડી કરી રહ્યા છે. કોઈ પણ ભોગે ફ્લાઈટ પકડીને દેશ બહાર જવા માંગે છે. કાબૂલ એરપોર્ટ પર સ્થિતિ બેકાબૂ થતા થયેલા ફાયરિંગમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને ચલી ચાલ
ચીને કહ્યું છે કે તાલિબાન સાથે મૈત્રતાપૂર્ણ સંબંધ વિક્સિત કરશે. ચીનનું કહેવું છે કે તે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિક્સિત કરવા તૈયાર છે. આ સાથે જ ચીને એમ પણ કહ્યું કે તે કાબુલ સ્થિત પોતાનું દૂતાવાસ બંધ  કરશે નહીં. ચીનની સાથે પાકિસ્તાન, તુર્કી અને રશિયાનું પણ કહેવું છે કે તેઓ પોતાના દૂતાવાસ બંધ કરશે નહીં. (ઈનપુટ-એએફપી)


ભારત લઈ શકે છે આ પગલું
કાબુલ એરપોર્ટ પર અફરાતફરી મચી છે. જેને જોતા કોમર્શિયલ ફ્લાઈટ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આ કારણે અનેક લોકો ત્યાં ફસાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત ચાબહાર પોર્ટનો ઉપયોગ કરી શકે છે. એરપોર્ટ બંધ હોવાની સ્થિતિમાં બની શકે કે ભારત પોતાના નાગરિકોને એરલિફ્ટ કરાવે. 



અશરફ ગની ઓમાનમાં!
એવા રિપોર્ટ્સ છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની ઓમાનમાં છે અને તેઓ અમેરિકા જઈ શકે છે. અત્રે જણાવવાનું કે અશરફ ગનીએ રવિવારે દેશ છોડી દીધો હતો. ત્યારે એવા રિપોર્ટ હતા કે તેઓ તઝાકિસ્તાનમાં છે. પરંતુ તઝાકિસ્તાને તેનો ઈન્કાર કરી દીધો. 


એરપોર્ટ પર  ભીડ ઉમટી
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અમેરિકી સેનાએ ફાયરિંગ કરવું પડ્યું જેમાં ઓછામાં  ઓછા પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના કબ્જામાં છે. પરંતુ ભીડના કારણે સ્થિતિ કથળી છે. લોકો જબરદસ્તીથી વિમાનમાં ચડવાની કોશિશ કરે છે. 



એર ઈન્ડિયાની ફ્લાઈટે લીધો યુટર્ન
શિકાગોથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI126 એ થોડા સમય પહેલા મજાર એ શરીફ ઉપર અફઘાન હવાઈ સીમામાં પ્રવેશ કર્યા બાદ અચાનક યુ ટર્ન માર્યો. હાલ વિમાન તુર્કમેનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં છે. હજુ સુધી અધિકૃત રીતે તેના કારણે અંગે કોઈ જાણકારી આવી નથી. પરંતુ અટકળો છે કે અફઘાન હવાઈ ક્ષેત્ર પર સુરક્ષા ચિંતાઓએ ભારતીય વિમાનને માર્ગ બદલવા માટે મજબૂર કર્યો. 



ક્યાં ગયા અશરફ ગની?
રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિકના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાનના હાલાત પર તઝાકિસ્તાને નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની તઝાકિસ્તાનમાં નથી. 


ભારત સરકાર અલર્ટ
કાબુલમાં ઝડપથી બદલાઈ રહેલા હાલાતને લીધે ભારત સરકાર અલર્ટ છે અને હાલાત પર બાજ નજર રાખી રહી છે. ભારત સરકારે કાબુલથી લોકોને બહાર  કાઢવા માટે એર ઈન્ડિયાના 2 વિમાન તૈયાર રાખ્યા છે. અફઘાન મીડિયાના રિપોર્ટ મુજબ કાબુલ એરપોર્ટ પર અફઘાન જનતાની ભીડને અમેરિકી હેલિકોપ્ટરો અને વિમાનથી દૂર કરવા માટે આજે સવારે પણ અમેરિકી સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. ગઈ કાલે રાતે પણ અનેકવાર કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભીડને દૂર રાખવા માટે અમેરિકી સેનાએ હવામાં ફાયરિંગ કર્યું હતું. 



અમેરિકી દૂતાવાસ પાસે ધડાકા
કાબુલમાં અમેરિકી દૂતાવાસ પાસે બે મોટા ધડાકા થયાના રિપોર્ટ્સ છે. આ ધડાકામાં કોઈના ઘાયલ કે માર્યા ગયા હોવાની હજુ સુધી જાણકારી મળી નથી. અમેરિકાએ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળો પર છૂપાઈ જવાનું કહ્યું છે. આ સાથે જ કાબુલ એરપોર્ટ બહાર પણ ફાયરિંગ થયું છે. જેના કારણે એરપોર્ટ પર આગ લાગી ગઈ.


એરપોર્ટથી આવતા વીડિયોમાં જોવા મળે છે ભયંકર પરિસ્થિતિ
ફાયરિંગ બાદ કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગી રહ્યા છે. આ ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. કાબુલ એરપોર્ટથી જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે તેમાં સ્થિતિ ખુબ ભયાનક જોવા મળી રહી છે. એરપોર્ટ પર બસ સ્ટેન્ડ જેવો નજારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચી રહ્યા છે. એરપોર્ટ પર સુરક્ષા જેવું કશું નથી. 



એરપોર્ટની બહાર ફાયરિંગ
અનેક એવા વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ બહાર ફાયરિંગ થયું છે. કાબુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની આયેશા અહેમદીએ એક વીડિયો શેર કરીને કહ્યું કે એરપોર્ટ બહાર ફાયરિંગ થઈ રહ્યું છે. 



અમેરિકાએ એરપોર્ટને કબ્જામાં લીધુ, ઉતારશે 6000 સૈનિકો
અમેરિકા પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે. કાબુલ એરપોર્ટ પર હાલાત બગડતા જોતા અમેરિકાએ એરપોર્ટને પોતાના કબ્જામાં લીધુ છે. અમેરિકી વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે કાબુલમાં હામિદ કરઝઈ એરપોર્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. અમેરિકા સંપૂર્ણ રીતે એર ટ્રાફિક કંટ્રોલને સંભાળશે. સિક્યુરિટીનો વિસ્તાર કરતા 6000 સૈનિકો ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે. રેસ્ક્યૂ મિશન ચાલુ છે. 



ભારતની અધ્યક્ષતામાં બેઠક
અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ જોતા આજે સવારે 10 વાગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની એક બેઠક થવાની છે. આ બેઠકની અધ્યક્ષતા ભારત કરશે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. 


બગરામ એરબેસ ઉપર પણ તાલિબાનનો કબ્જો
તાલિબાને બગરામ એરબેસ ઉપર પણ પોતાનો કબ્જો જમાવી લીધો છે. કહેવાય છે કે આ એરબેસની સુરક્ષામાં તૈનાત અફઘાન સેનાએ તાલિબાની આતંકીઓ સામે સરન્ડર કરી દીધુ છે. આ એરબેસ પર મોટી સંખ્યામાં કેદીઓ પણ રાખવામાં આવ્યા છે. એક સમયે આ એરબેસ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું સૌથી મોટું સૈનિક ઠેકાણું હતું. 


રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબ્જાની પહેલી તસવીર આવી સામે
અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું રાજ આવી ગયુ છે. રાષ્ટ્રપતિ ભવન ઉપર પણ તાલિબાને કબ્જો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ભવનમાં તાલિબાનના આતંકીઓની કબ્જાની પહેલી તસવીર પણ સામે આવી છે. 



ભારતમાં અફઘાન દૂતાવાસનું ટ્વિટર હેન્ડલ હેક?
આ બાજુ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર અફઘાની દૂતાવાસની અનેક આકરી ટ્વીટ સામે આવી છે. આ ટ્વીટમાં રાષ્ટ્રપતિ સહિત તેમના કેટલાક નીકટના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. એક ટ્વીટમાં લખ્યું છે કે 'અમે બધા શરમથી માથા પીટી રહ્યા છીએ અને ગની બાબા પોતાના બદમાશો સાથે ભાગી ગયા. તેમણે બધુ બરબાદ કરી નાખ્યું. ભાગેડુંની સેવા કરવા બદલ અમે બધા ક્ષમા માંગીએ છીએ. અલ્લાહ ગદ્દારને સજા આપે! તેમનો વારસો અમારા ઈતિહાસ પર એક ધબ્બો હશે.' બીજી ટ્વીટમાં રાષ્ટ્રપતિ કાર્યાલયના ડાયરેક્ટર અને અશરફ ગનીના ખાસ જનરલ ફઝલ ફઝલી પર હુમલો કરતા બીબીસી રિપોર્ટના આધારે તેમને ચરિત્ર્યહિન ગણાવાયા છે. જો કે બાદમાં આ બધી ટ્વીટ ડિલીટ કરી દેવાઈ.