અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોલોરાડો કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. રોયટર્સના જણાવ્યા મુજબ કોર્ટે મંગળવારે તેમને આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રાથમિક મતદાનથી અયોગ્ય જાહેર કર્યા છે. આ સાથે જ કોર્ટે રાજ્ય સચિવને આદેશ આપ્યો છે કે ટ્રમ્પનું નામ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના મતદાનથી બહાર કરવામાં આવે. હવે ટ્રમ્પ મતદાન નહીં કરે શકે કે ચૂંટણી પણ નહીં લડી શકે. વાત જાણે એમ છે કે આ આદેશ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના સમર્થકો દ્વારા યુએસ કેપિટલ પર 6 જાન્યુઆરી 2021ના રોજ કરાયેલા હુમલામાં તેમની ભૂમિકા અંગે આપ્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન માટે અયોગ્ય જાહેર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
ટ્રમ્પ અમેરિકી ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદ માટે પહેલા એવા ઉમેદવાર છે જેમને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઈટ હાઉસ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. અમેરિકી બંધારણ હેઠળ વિદ્રોહ કે વિદ્રોહમાં સામેલ અધિકારીઓને પદ સંભાળતા રોકવા માટે જોગવાઈ છે. અમેરિકાની કોલોરાડો કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ 4-3થી પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે બહુમતનું માનવું છે કે ટ્રમ્પ 14માં સંશોધનની કલમ  3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ વિરુદ્ધ આ ચુકાદો જે કોર્ટે આપ્યો તેના તમામ જજોની નિયુક્તિ ડેમોક્રેટિક ગવર્નર્સે કરી હતી. 


ચુકાદા વિરુદ્ધ અપીલ કરી શકશે
જો કે આ સાથે જ અમેરિકી કોર્ટે પોતાના ચુકાદાને 4 જાન્યુઆરી સુધી પ્રભાવી થતા રોક્યો છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોલોરાડો કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ આગળ અપીલ કરી શકે છે. તે પહેલા નીચલી કોર્ટે માન્યુ હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકી સંસદ એટલે કે કેપિટલ પર થયેલા હુમલા માટે ભીડને હિંસા માટે ઉક્સાવી હતી. પંરતુ આ સાથે જ નીચલી કોર્ટે ટ્રમ્પને ચૂંટણી લડતા રોક્યા નહતા. કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પને ચૂંટણી લડતા રોકી શકાય નહી. કારણ કે એ સ્પષ્ટ નથી કે બંધારણની કલમ રાષ્ટ્રપતિને કવર કરે છે.


શું છે સમગ્ર મામલો
ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકી કેપિટલમાં રમખાણો ભડકાવવા મામલે રાષ્ટ્રપતિ પદ અને મતદાન માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 6 જાન્યુઆરી 2021ના રોજ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકી સંસદ એટલે કે કેપિટલ હિલને ઘેરી હતી. કેટલાક સમર્થકો કેપિટલ હિલમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. કેપિટલ હિંસા બાદ તેની તપાસ અમેરિકી તપાસ એજન્સી FBI ને સોંપવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube