લંડનઃ લેખિકા એના બર્ન્સને તેમની નવલકથા 'મિલ્કમેન' માટે મેન બુકર પુરસ્કાર મળ્યો છે. તેઓ ઉત્તર આયર્લેન્ડની પ્રથમ લેખિકા છે, જેણે અંગ્રેજી ભાષા સાહિત્યના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યાં છે. બેલફાસ્ટમાં જન્મેલા એના (56) મેન બુકર પુરસ્કારના 49 વર્ષના ઈતિહાસમાં આ પુરસ્કારક જીતનારાં 17મા મહિલા છે. વર્ષ 2013 બાદ એના આ પુરસ્કાર મેળવનારા પ્રથમ મહિલા છે. 'મિલ્કમેન' તેમની ત્રીજી નવલકથા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મિલ્કમેન'માં ઉત્તર આયર્લેન્ડમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે એક યુવતી અને એક પરિણીત પુરુષની પ્રેમકથાનું વર્ણન છે. મંગળવારની રાત્રે એક ભવ્ય સમારોહમાં એનાને બુકર પ્રાઈઝની વિજેતા જાહેર કરાઈ હતી. 


વર્ષ 2018નો વિજેતા નક્કી કરવા માટે બનેલી સમિતીના અધ્યક્ષ ક્વામે એન્થની એપિયાએ જણાવ્યું કે, "અમારામાંથી કોઈએ પણ ક્યારેય એવું વર્ણન વાંચ્યું નથી. એના બર્ન્સની તદ્દન જ અલગ અવાજ પરંપરાગત વિચારધારાને પડકાર આપે છે અને એક ચોંકાવનારા અને ડુબી જનારા ગદ્યને આકાર આપે છે."


ક્વામેએ જણાવ્યું કે, "આ નવલકથાને નિષ્ઠુરતા, યૌન અતિક્રમણ અને પ્રતિરોધની કથા છે, જેને વ્યંગ્ય મિશ્રિત હાસ્ય સાથે વણવામાં આવી છે." મેન બુકર પુરસ્કાર વિજેતાને 52,500 પાઉન્ડ (રૂ.50.85 લાખ)ની રકમ આપવામાં આવે છે. 


ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સમાં રહેતી એના ઉપરાંત બે બ્રિટિશ લેખક, બે અમેરિકન લેખક અને એક કેનેડિયન લેખક પણ મેન બુકર પ્રાઈઝની સ્પર્ધામાં હતા. એનાએ એક અજાણ્યા શહેરની પૃષ્ઠભુમિમાં લખેલી નવલકથા 'મિલ્કમેન'માં એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે, એક યુદ્ધગ્રસ્ત શહેરમાં કોઈ મહિલા પર કેટલી ખતરનાક અને જટિલ અસર થાય છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે, તેમાં પાત્રોનાં નામને બદલે પદનામ (ડેઝિગ્નેશન) આપવામાં આવ્યા છે. 


લેખિકાએ જણાવ્યું કે, "પુસ્તકમાં નામ નથી. પ્રારંભમાં મેં થોડા સમય સુધી નામ અંગે પ્રયાસ કર્યો હતો, પરંતુ પુસ્તકમાં મને યોગ્ય લાગ્યું નહીં. આમ કરવાથી મારી સ્ટોરી વજનદાર અને નિરસ બની જતી હોય એવું લાગતું હતું." 


એનાએ ડેઝી જોનસન(27)ના પુસ્તક 'એવરિથીંગ અંડર', રોબિન રોબર્ટસનના પુસ્તક 'ધ લોન્ગ ટેક', એ.સી. એડુગ્યનનું 'વોશિંગટન બ્લેક', રેશલ કુશનરનું 'ધ માર્સ રૂમ' અને રિચર્ડ પોવર્સના 'ધ ઓવરસ્ટોરી' પુસ્તક સાથે સ્પર્ધા કરીને 'મિલ્કમેન' માટે પુરસ્કાર જીત્યો છે. 


ફેબર એન્ડ ફેબરે 'મિલ્કમેન' પુસ્તકનું પ્રકાશન કર્યું છે. સતત ચોથા વર્ષે એવું બન્યું છે કે, કોઈ સ્વતંત્ર પ્રકાશકે મેન બુકર પુરસ્કાર જીત્યો છે. લંડનના ગિલ્ડ હોલમાં એક રાત્રીભોજમાં ક્વામે એન્થની એપિયાએ એના બર્ન્સના વિજેતા બનવાની જાહેરાત કરી હતી. ડચેઝ ઓફ કોર્નવોલ કેમિલાએ એનાને એક ટ્રોફી જ્યારે મેન ગ્રુપના મુખ્ય સીઈઓ લ્યુક હિલ્સે 50,000 પાઉન્ડની રકમનું ઈનામ આપ્યું હતું. 


એનાને તેના પુસ્તકના ડિઝાઈનર બાઉન્ડ આવૃત્તિ અને શોર્ટલિસ્ટ થવા માટે 2,500 પાઉન્ડની વધારાની રકમ પણ ભેટમાં અપાશે.