ચીનમાં મુસલમાનોને `દેશભક્ત` અને `વફાદાર` બનાવવા માટે સરકારે કર્યુ આ કામ
પાકિસ્તાન પોતાની સરહદની એકદમ નજીક મુસલમાનો પર થઈ રહેલા આ પ્રકારના અત્યાચાર પર એકદમ ચૂપ્પી સાંધીને બેઠું છે. જ્યારે ભારતમાં મુસલમાનો પર કથિત અત્યાચારને લઈને દુષ્પ્રચાર કરે છે.
નવી દિલ્હી: ચીનમાં ઉઈગર મુસ્લિમોને 'દેશભક્ત' અને 'વફાદાર' બનાવવા માટે સરકારે ખાસ ટ્રાન્સફોર્મેશન કેમ્પ ખોલ્યા છે. આ કેમ્પ ઉઈગર મુસલમાનોને ચીનની સરકાર અને ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર બનાવવા માટે ખોલવામાં આવ્યાં છે. તેમાં અલ્પસંખ્યક મુસલમાનોને જબરદસ્તીથી પકડીને લાવવામાં આવી રહ્યાં છે. ઓછામાં ઓછા બે મહિના માટે રાખવામાં આવી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે અહીં ચીની ભાષા શીખવા, કાયદાનો અભ્યાસ અને રોજગારી માટે તાલિમ આપવામાં આવી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાનું કહેવું છે કે સરકાર ઉઈગર મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખ ખતમ કરવા માટે તેમના પર જબરદસ્તીથી અત્યાચાર કરી રહી છે.
એ પણ નોંધનીય છે કે પાકિસ્તાન પોતાની સરહદની એકદમ નજીક મુસલમાનો પર થઈ રહેલા આ પ્રકારના અત્યાચાર પર એકદમ ચૂપ્પી સાંધીને બેઠું છે. જ્યારે ભારતમાં મુસલમાનો પર કથિત અત્યાચારને લઈને દુષ્પ્રચાર કરે છે. અન્ય મુસ્લિમ દેશો પણ આ મુદ્દે એકદમ ખામોશ છે જ્યારે પશ્ચિમના માનવાધિકાર સંગઠન હવે આ અત્યાચાર પર અવાજ ઉઠાવી રહ્યાં છે. રિવારે અમેરિકાના મુખ્ય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે આ મુદ્દે ફ્રન્ટ પેજ પર ફોટા સાથે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
શું થાય છે કેમ્પમાં?
ન્યૂયોર્ક ટાઈમ્સે એક મોટી ઈમારતનો ફોટો છાપ્યો છે, જ્યાં ઉઈગર મુસલમાનોને 'દેશભક્ત' અને 'વફાદાર' બનાવવા માટે તાલિમ આપવામાં આવી રહી છે. અહીં રોજ અનેક કલાકોના ક્લાસ હોય છે, જ્યાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને સમર્થન કરવાની સીખ અપાય છે. એટલું જ નહીં મુસલમાનોને પોતાની જ સંસ્કૃતિની ટીકા કરવા માટે પણ કહેવાય છે. રિપોર્ટ મુજબ આ તાલિમનો હેતુ મુસલમાનોમાં પોતાના જ ધર્મ પ્રત્યેની આસ્થાને ખતમ કરવી અને ચીન પ્રત્યે વફાદાર બનાવવાનો છે.
ચીનમાં લગભગ 2.3 કરોડ મુસ્લિમ વસ્તી છે. જેમાં લગભગ એક કરોડ ઉઈગર મુસ્લિમ શિનજિયાંગ પ્રાંતમાં રહે છે. ઉઈગર મુસલમાનોના વિદ્રોહી તેવરના કારણે તેમની મોટાભાગની ધાર્મિક સ્વતંત્રતા પર ચીન સરકારે અંકુશ લગાવ્યો છે. હાલમાં જ મીડિયામાં અહેવાલ આવ્યો હતો કે લગભગ 10 લાખ મુસ્લિમો પોતાના જ શહેરમાં નજરકેદ કરાયા છે.
સામ્યાવાદીની પાઠશાળા
આ તાલિમ કેમ્પમાં કોઈ બહારના વ્યક્તિને જવાની મંજૂરી નથી. આ કેમ્પની કેદમાંથી આઝાદ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તેમાં સેંકડો ઉઈગર મુસલમાનોને જબરદસ્તીથી સામ્યવાદી સાહિત્ય વાંચવા અને લખવા માટે મજબુર કરાઈ રહ્યાં છે. અહીં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના વખાણવાળા લેક્ટર અપાય છે. અને અનેકવાર ઉઈગરોને પોતાની જ બુરાઈ કરતા લેખ લખવાનું કહેવાય છે. તેનો હેતુ એ છે કે તેઓ ઈસ્લામ છોડીને ચીન પ્રત્યે વફાદાર થઈ જાય.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ આ કેમ્પથી છૂટેલા 41 વર્ષના અબ્દુસલામ મુહમેતે જણાવ્યું કે પોલીસે તેને અનેક વખત અટકાયતમાં લીધો, જ્યારે તે મૈયતથી પાછો ફરીને કુરાનની કેટલીક આયાતો રટી રહ્યો હતો. કેમ્પમાં લગભગ બે મહિના રહ્યા બાદ તેને છોડી દેવાયો. તેણે કહ્યું કે આવા કેમ્પથી ચરમપંથને ખતમ કરી શકાય નહીં. પરંતુ તેનાથી તો બદલાની ભાવના વધુ મજબુત થશે. મીડિયા રિપોર્ટ મુજબ માઓના શાસનકાળ બાદ આ વિચાર પરિવર્તનનો સૌથી મોટો કેમ્પ છે. ચીન સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં આવા સેંકડો કેમ્પ ખોલ્યા છે.