અનુરા કુમારા દિસાનાયકે બનશે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, મજૂરના પુત્રએ લહેરાવ્યો લાલ ઝંડો
નેશનલ પીપલ્સ પાવર એલાયન્સના નેતા અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થયું હતું અને આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિસનાયકે લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે અને દેશના લોકપ્રિય નેતા છે.
કોલંબોઃ માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકેએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. શ્રીલંકામાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ડાબેરી નેતા રાષ્ટ્રપતિ પદ સંભાળશે. અનુરાએ ત્રણ દિગ્ગજ ઉમેદવારો- નમલ રાજપક્ષે, સાજિદ પ્રેમદાસા અને રાનિલ વિક્રમસિંઘેને આ ચૂંટણીમાં હરાવ્યા છે. જનતા વિમુક્તિ પેરાનુમા (જેવીપી) પાર્ટીના નેતા દિસાનાયકે આ ચૂંટણીમાં નેશનલ પીપુલ્સ પાવર (એનપીપી) ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. એક સાધારણ પરિવારમાંથી આવતા અનુરાના આ પદ પર પહોંચવાની કહાની ખુબ રસપ્રદ છે.
દિસાનાયકેનો જન્મ શ્રીલંકાની રાજધાની કોલંબોથી 100 કિલોમીટર દૂર થંબુટ્ટેગામામાં એક મજૂરના ઘરે થયો હતો. દિસાનાયકે પોતાના પરિવારના ગામથી વિશ્વવિદ્યાલય જનાર પ્રથમ વિદ્યાર્થી હતા. એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં પેરાડેનિયા વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો હતો પરંતુ રાજકીય વિચારધારાઓને કારણે ધમકીઓ મળવા લાગી અને તેઓ કેલાનિયા યુનિવર્સિટી આવી ગયા. દિસાનાયકેએ 80ના દાયકામાં છાત્ર રાજનીતિ શરૂ કરી. કોલેજમાં રહેતા 1987 અને 1989 વચ્ચે સરકાર વિરોધી આંદોલન દરમિયાન તેઓ જેવીપીમાં સામેલ થયા અને ઝડપથી પોતાની ઓળખ બનાવી હતી.
દિસાનાયકેનો પક્ષ હિંસામાં સામેલ હતો
ડાબેરી દિસાનાયકે કોલેજમાં હતા ત્યારે જ JVPમાં જોડાયા. 80ના દાયકામાં JVPએ સરકાર સામે સશસ્ત્ર બળવો કર્યો અને મોટા પાયે હિંસા થઈ. આને શ્રીલંકાનો લોહિયાળ સમયગાળો પણ કહેવામાં આવે છે. સરકારે બળવાને કચડી નાખ્યો અને JVPના સ્થાપક રોહાના વિજેવીરાની પણ હત્યા કરવામાં આવી. જો કે, બાદમાં દિસાનાયકે અને JVPએ પોતાને હિંસાના માર્ગથી દૂર કર્યા. દિસનાયકે 2000 માં સાંસદ બન્યા અને ત્યારબાદ શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) સાથે જોડાણ બાદ 2004 માં કૃષિ અને સિંચાઈ મંત્રી બનાવવામાં આવ્યા. જો કે, ગઠબંધનની અંદર મતભેદને પગલે, 2005માં દિસાનાયકેએ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
દિસાનાયકે 2014માં સોમાવંસા અમરસિંઘે બાદ જેવીપીના અધ્યક્ષ બન્યા હતા. દિસાનાયકેએ નેતૃત્વ સંભાળ્યા બાદ પાર્ટીની છબીને બદલતા 197 અને 1987ના વિદ્રોહ સાથે જોડાયેલા પોતાના હિંસક ભૂતકાળને દૂર કર્યો હતો. તેમણે જાહેરમાં આ દરમિયાન પાર્ટીની ભૂમિકા માટે ખેદ પણ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ પદની રેસમાં દિસાનાયકે પ્રથમવાર 2019માં આવ્યા અને ખરાબ રીતે હાર્યા તેમને માત્ર 3 ટકા મત મળ્યા હતા. 2022માં શ્રીલંકામાં આર્થિક સંકટ બાદ જેવીપીએ જોરદાર અભિયાન ચલાવ્યું અને ખુદને ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે રજૂ કરવામાં સફળ રહ્યાં. બે વર્ષમાં દિસાનાયકે શ્રીલંકાના સૌથી મોટા નેતા બની ગયા છે.
માર્ક્સવાદી નેતા અનુરા દિસાનાયકેની સામે પદ સંભાળ્યા બાદ ઘણા પડકાર છે. તેમની સામે દેશની આર્થિક સ્થિતિ સુધારવાનો પડકાર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શ્રમિક વર્ગના વચનો પર ખરૂ ઉતરવું પડશે, જેનું તેમને જોરદાર સમર્થન મળ્યું છે.