સેન ફ્રાન્સિસ્કોઃ ગુગલને પછાડીને એપલ વર્ષ 2018ની ટોચની બ્રાન્ડ બની ગઈ છે, જ્યારે ડાટા ચોરાવાના વિવાદ વચ્ચે ફેસબૂક 9મા ક્રમે ધકેલાઈ ગઈ છે. ગુરૂવારે પ્રકાશિત વિશ્વની ટોચની 100 બ્રાન્ડ અંગેના એક રિપોર્ટમાં આ આંકડા બહાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ બ્રાન્ડ કન્સલ્ટન્સી ઈન્ટરબ્રાન્ડના "વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સ 2018" નામના રિપોર્ટમાં અમેઝોન કંપની 56 ટકાના ગ્રોથ સાથે વિશ્વની ત્રીજા ક્રમની ટોચની બ્રાન્ડ બની છે. 


રેન્કિંગ પ્રમાણે એબલની બ્રાન્ડ વેલ્યુમાં દર વર્ષે 16 ટકાનો વધારો થયો છે અને અત્યારે તે 214.5 બિલિયન ડોલર પર પહોંચી છે. અમેરિકાની તે પ્રથમ કંપની છે જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 1 ટ્રિલિયનને પાર ગયું હોય. 


બીજા ક્રમે રહેલી ગુગલની બ્રાન્ડ વેલ્યુમાં 10 ટકાનો વધારો થયો છે અને તેની માર્કેટ કેપ 155.5 બિલિયન ડોલર છે, જ્યારે અમેઝનની વેલ્યુ 100.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. 


રિપોર્ટના આંકડા અનુસાર માઈક્રોસોફ્ટ (92.7 બિલિયન ડોલર) સાથે ચોથા ક્રમે અને કોકા કોલા (66.3 બિલિયન ડોલર) સાથે પાંચમા ક્રમે છે, જ્યારે સેમસંગ છઠ્ઠા ક્રમે છે. 


ફેસબૂકની વેલ્યુમાં 6 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, ડાટા ચોરીના આરોપોના કારણે ફેસબૂકની ઈમેજને મોટો ધક્કો પહોંચ્યો છે અને તેની સીધી અસર કંપનીની બ્રાન્ડ વેલ્યુ પર પડી છે. 


ઈન્ટરબ્રાન્ડના ગ્લોબલ ચીફ એક્ઝીક્યુટીવ ચાર્લ્સ ટ્રેવેઈલે જણાવ્યું કે, વૈશ્વિક આર્થિક ક્રાંતિના એક દાયકા બાદ વૈશ્વિક બ્રાન્ડ અત્યંત ઝડપથી વિકસી રહી છે અને જે લોકો તેમનાં ગ્રાહકોનું પુરતું ધ્યાન રાખે છે અને તેમની માગ અનુસાર નવા માર્ગો શોધીને તેમના સુધી પહોંચે છે તે આજે આગળ નીકળી રહ્યા છે. 


ટોપ 100 બ્રાન્ડ લિસ્ટમાં સ્પોટિફાય અને સુબારુએ પ્રથમ વખત પ્રવેશ કર્યો છે. એલન મસ્કની ટેસ્લા કંપની 2017માં ટોપ-100માં હતી, પરંતુ તેની બ્રાન્ડ અને તેના ભવિષ્ય અંગે કેટલાક વિવાદોને કારણે કંપની આ રેસમાં પાછળ પડી છે. 


એપલની વાત કરીએ તો તેણે વિવિધ રેન્જ પ્રસ્તુત કરીને પોતાની વેલ્યુમાં જબરદસ્ત વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, એપલે તાજેતરમાં જ આઈફોન XS, XS Max અને XR લોન્ચ કર્યા છે. ઈન્ટરબ્રાન્ડ ઈકોનોમિક્સના ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટર માઈક રોચાએ એપલની સફળતા અંગે જણાવ્યું કે, "કંપની નવા ફોન લોન્ચ કરવાની સાથે-સાથે લોકોને ઉપયોગી એપ્સ પણ બનાવતી રહે છે અને તેમને પુરતી સેવા પણ પુરી પાડે છે. વર્ષ 2017ના નાણાકિય વર્ષમાં તેને સર્વિસ વિભાગમાંથી થતા સેલિંગમાં 23 ટકાનો વધારો થયો હતો અને તે 30 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે."


ઈન્ટરબ્રાન્ડ રિપોર્ટ કંપનીઓની વેલ્યુ તેમના નાણાકિય દેખાવ અને સેવાઓ, લોકોની ખરીદીની પસંદગીમાં એક ભ્રાન્ડ કેવી ભૂમિકા ભજવે છે, તેની સ્પર્ધાત્મક્તાની ક્ષમતા કેટલી છે અને બજારમાં ગ્રાહકો પ્રત્યે કંપની કેટલી વફાદાર છે તેના આધારે નક્કી કરે છે.