ચીનમાં વિચિત્ર અકસ્માતઃ 31 વ્હીકલ એકબીજા ઉપર ચડી ગયા, 15નાં મોત
શનિવારે ચીનના ગાન્સુ પ્રાન્તમાં હાઈવે ઉપર એક હેવી ટ્રકના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતાં તેના ટ્રકે આગળ ટોલનાકા પર લાઈનમાં ઊભેલી સંખ્યાબંધ કારને અડફેટે લીધી હતી
બીજિંગઃ ચીનમાં શનિવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.ચીનના ગાન્સુ પ્રાન્તમાં હાઈવે ઉપર એક હેવી ટ્રકના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતાં તેના ટ્રકે આગળ ટોલનાકા પર લાઈનમાં ઊભેલી સંખ્યાબંધ કારને અડફેટે લીધી હતી.
ચીનના અખબારમાં રવિવારે પ્રકાશિત સમાચાર મુજબ ચીનના લેનઝોઉ-હાઈકોઉ એક્સપ્રેસવે પર ટોલનાકા પર સંખ્યાબંધ કાર ટોલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી. પાછળથી આવી રહેલા હેવી ટ્રકના ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતાં તેણે આ કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કુલ 31 વ્હીકલ એક-બીજાની ઊપર ચડી ગયા હતા.
સમાચાર મુજબ અકસ્માતમાં 15 લોકોનાં મોત થયા હતા, જ્યારે 44થી વધુ લોકો ઘાયલ થયા હતા. ચીનની પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
હજુ ગયા અઠવાડિયે જ ચીનમાં એક બસ નદીમાં પડી જતાં 13 લોકોનાં મોત થયા હતા. બસમાં જઈ રહેલી એક મહિલાનો ડ્રાઈવર સાથે ઝઘડો થયો હતો. જેમાં મહિલાએ ડ્રાઈવરને લાફો મારતાં બસ દક્ષિણપશ્ચિમ ચીનમાં આવેલી યાંગત્ઝે નદીમાં પડી ગઈ હતી. આ વીડિયો ભારતમાં પણ વાયરલ થયો હતો.
ચીનમાં ભારે વસતી અને લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાને કારણે આવા ગંભીર અકસ્માતો અવાર-નવાર સર્જાતા રહે છે.