બાંગ્લાદશની રાજધાની ઢાકાના પોશ વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે એક 7 માળની ઈમારતમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને ખબર મળતા જ ઢાકાની મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી. સેન નજીકની બર્ન હોસ્પિટલ પણ પહોંચ્યાં અને સ્થિતિની સમીક્ષા કરી. હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તેમણે  કહ્યું કે અત્યાર સુધીમાં 43 લોકોના મોતના સમાચાર મળ્યા હતા. ત્યારબા પોલીસ ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાના જણાવ્યાં મુજબ ઢાકાની પોલીસ હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ  તોડ્યો. જેના કારણે મૃત્યુઆંક 44 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાયલો સારવાર હેઠળ
સ્વાસ્થ્ય મંત્રી સામંત લાલ સેને જણાવ્યું કે શહેરની મુખ્ય બર્ન હોસ્પિટલમાં ઓછામાં ઓછા 40 લોકો સારવાર હેઠળ છે. દુખદ વાત એ છે કે તેમાંથી અનેકની હાલત ગંભીર છે. ડોક્ટરોની એક ટીમ બધા પર નજર રાખી રહી છે. આવામાં મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. 


દર્દનાક અકસ્માત
ફાયર બ્રિગેડ વિભાગના ઓફિસર મોહમ્મદ શિહાબે જણાવ્યું કે આગ ગુરુવારે રાતે ઢાકાના બેલી રોડ સ્થિત એક પ્રખ્યાત બિરિયાની રેસ્ટોરન્ટમાં લાગી. આગ ઝડપથી ફેલાઈ ગઈ જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા. જો કે ફાયરકર્મીઓએ બે કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. 


75 લોકોને રેસ્ક્યૂ કરાયા
સરકારે આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના અધિકૃત નિવેદન મુજબ તેમની ટીમે 75 જેટલા લોકોને રેસ્ક્યૂ કર્યા છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે તેમને શંકા છે કે રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણે આગ લાગી હશે. આગ એટલા માટે પણ ઝડપથી ફેલાઈ હોઈ શકે કારણ કે ઈમારતના લગભગ દરેક માળ પર રેસ્ટોરન્ટ છે. દરેક જગ્યાએ ગેસ સિલન્ડરનો ઉપયોગ થતો હોય છે. 


જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા
બેલી રોડના બિલ્ડિંગમાં મુખ્યત્વે હોટલોની સાથે સાથે કપડા અને મોબાઈલની દુકાનો છે. ભીડભાડવાળા વિસ્તારના કારણે  દહેશત ફેલાઈ ગઈ. રેસ્ટોરન્ટમાં આવેલા લોકો જીવ બચાવવા માટે બારીઓમાંથી નીચે કૂદ્યા જેના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયા. એક રેસ્ટોરન્ટ મેનેજરે કહ્યું કે ધૂમાડો નીકળતા જોયો ત્યારે અમે છઠ્ઠા માળે હતા. અનેક લોકો ઉપરની બાજુ દોડ્યા. અમે ઈમારતમાંથી નીચે જવા માટે પાણીની પાઈપનો ઉપયોગ કર્યો. ઉપરથી કૂદવાના કારણે અનેક લોકો  ઘાયલ થયા. અન્યલોકો છત પર ફસાયેલા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube