બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા. તેમણે અહીં પહોંચીને બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન માઈનોરિટી રાઈટ્સ મુવમેન્ટના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોહમ્મદ યુનુસને મળ્યું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોહમ્મદ યુનુસ સામે આઠ પોઈન્ટની માંગણીઓ રજૂ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મોહમ્મદ યુનુસે એવા સમયે હિન્દુ મંદિરની મુલાકાત લીધી છે કે જ્યારે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય દિવસથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. મોહમ્મદ યુનુસે ઢાકેશ્વરી મંદિરમાં કહ્યું કે દેશને સંકટની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે લોકોના ભાગલા પાડવાની જગ્યાએ તેમને એકજૂથ કરવા જોઈએ. આ રીતના પડકારભર્યા સમયમાં બધાએ ધૈર્યની સાથે રહેવું જોઈએ. 


તેમણે કહ્યું કે અમે એવું બાંગ્લાદેશ બનાવવા માંગીએ છીએ જે  એક પરિવાર જેવું હોય અને પરિવારની અંદર ભેદભાવ અને ઝઘડાનો સવાલ જ નથી ઉઠતો. અમે બધા બાંગ્લાદેશના લોકો છીએ. અમે બધા એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આપણે અહીં શાંતિથી રહી શકીએ. યુનુસે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે. આપણા સમાજમાં આ પ્રકારના ભેદભાવની જરૂર નથી. આપણે તેને ઠીક કરવું પડશે. આ બીમારીના મૂળને ખતમ કરવા પડશે. 


આ દરમિયાન તેમણે ધર્મ કે જાતિના આધાર પર ભેદભાવ ન કરવાની અપીલ કરતા કહ્યું કે દેશના તમામ લોકો માટે એક કાયદો અને એક બંધારણ હોવું જોઈએ. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે આ દેશના લોકો છીએ. 


બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા
અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશના બે હિન્દુ સંગઠનો બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એક્તા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના જણાવ્યાં મુજબ 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયોના સભ્યોએ 53 જિલ્લામાં હુમલાઓની ઓછામાં ઓછી 205 ઘટનાઓનો સામનો કરવો પડ્યો. આ સાથે જ હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિન્દુઓ પાડોશી દેશ ભારત આવવાની પણ કોશિશ કરી રહ્યા છે.