બાંગ્લાદેશમાં ભારે બબાલ: શેખ હસીનાએ PM પદેથી રાજીનામું આપી તાબડતોબ દેશ છોડ્યો, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી અશાંતિનો માહોલ હતો તે વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું લખ્યું અને દેશ છોડી દીધો.
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસથી અશાંતિનો માહોલ હતો તે વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. લગભગ 20 લાખ લોકોના પીએમ આવાસ તરફ કૂચ કરવાની જાહેરાત બાદ બાંગ્લાદેશ આર્મીના ચીફે પીએમ શેખ હસીનાને રાજીનામું આપવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું લખ્યું અને દેશ છોડી દીધો અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારત રવાના થયા. આવામાં સવાલ એ છે કે શું ભારત પોતાના મિત્ર રાષ્ટ્રના ભરોસાપાત્ર નેતાને શરણ આપવા જઈ રહ્યું છે.
વચગાળાની સરકાર બનશે
ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ શેખ હસીના ભારત માટે રવાના થયા છે. રોયટર્સના રિપોર્ટ મુજબ બાંગ્લાદેશના સેના પ્રમુખે કહ્યું કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દીધુ છે. દેશને વચગાળાની સરકાર ચલાવશે.
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ આજે પીએમ શેખ હસીનાના સરકારી આવાસ ગણભબન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે હજારો લોકોના ઢાકાના રસ્તાઓ પર ઉતરવાના કારણે સ્થિતિ બગડવા લાગી હતી. સ્થિતિ કાબૂમાં ન દેખાતા બાંગ્લાદેશ આર્મીએ શેખ હસીનાને રાજીનામું આપવાની અને દેશ છોડવાની સલાહ આપી જેથી કરીને આંદોલનકારીઓ શાંત થઈ શકે.
સૂત્રોના જણાવ્યાં મુજબ શેખ હસીના પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માંગતી હતી પરંતુ માહોલ પોતાના વિરુદ્ધમાં જોતા શેખ હસીનાએ આર્મીની સલાહ માની અે પદેથી રાજીનામું આપીને સરકારી ગાડીથી ઢાકામાં બનેલા બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર પહોંચ્યા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં બેસીને રવાના થઈ ગયા. એવું કહેવાય છે કે તેઓ કોઈ ત્રીજા દેશમાં શરણ લઈ શકે છે. હાલ તેમનું હેલિકોપ્ટર અગરતલામાં લેન્ડ થયું છે. જ્યાં તેમને પૂરી સુરક્ષા સાથે સુરક્ષિત ઠેકાણે લઈ જવાયા છે.
અત્રે જણાવવાનું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકેલી છે. બાંગ્લાદેશમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. દેશવ્યાપી કરફ્યૂને અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોર રસ્તે ભેગા થયા. આ અગાઉ રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા. જેમાં 19 પોલીસકર્મી સામેલ છે.