બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં કોટા સિસ્ટમ ખતમ કરવાની માંગણીને લઈને ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બની ગયું છે. થોડા સમય પહેલા દેશભરમાં શરૂ થયેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના જીવ ગયા છે. શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારે કાનૂન વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિને કાબૂમાં લેવા માટે દેશવ્યાપી કરફ્યૂ લાગૂ કરવા અને સેના ઉતારવાનો નિર્ણય લીધો છે. લાકડી, ડંડા, અને પથ્થર લઈને રસ્તાઓ પર ઘૂમી રહેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ બસો અને ખાનગી વાહનોને આગને હવાલે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2500થી વધુ દેખાવકારો પોલીસ અને સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં ઘાયલ થયા છે. દેશમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા હાલ બંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે આ હિંસક વિરોધ પ્રદર્શનોને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાડોશમાં રહેતા 15000 ભારતીયો સુરક્ષિત છે જેમાંથી 8500 જેટલા વિદ્યાર્થીઓ છે. શુક્રવાર રાતે 8 વાગ્યા સુધીમાં 125 વિદ્યાર્થીઓ સહિત 245 ભારતીયો બાંગ્લાદેશથી પાછા ફર્યા છે. ત્યારે એ સવાલ ઉભો થાય છે કે આખરે એવું તે શું થયું કે બાંગ્લાદેશમાં સ્થિતિ આ હદે વણસી ગઈ? તો તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશ હાઈકોર્ટના એ નિર્ણય બાદ શરૂ થયું જેમાં સરકારી નોકરીઓમાં સ્વતંત્રતાસેનાનીઓ અને તેમના વંશજો માટે 30 ટકા કોટા બહાલ કરવામાં આવ્યો. બાંગ્લાદેશમાં આ કોટા સિસ્ટમને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નેતૃત્વમાં મોટા પાયે આંદોલન બાદ 2018માં રદ કરાયો હતો. 


કોને મળે છે અનામત?
બાંગ્લાદેશમાં 1971માં પાકિસ્તાન સાથે દેશની આઝાદી માટે લડનારા યુદ્ધનાયકોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની કેટલીક નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈ છે. પ્રદર્શનકારીઓનો એવો તર્ક છે કે આ સિસ્ટમ ભેદભાવવાળી છે અને પ્રધાનમંત્રી શેખ હસીનાના સમર્થકોને લાભ પહોંચાડી રહી છે જેમની અવામી લીગ પાર્ટીએ મુક્તિ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જ્યારે શેખ હસીનાએ અનામત સિસ્ટમનો બચાવ કર્યો છે. 


બાંગ્લાદેશમાં કોટા સિસ્ટમ નથી
નોકરીઓમાં અપાયેલા આ 30 ટકા અનામત વિરુદધ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે સ્વતત્રતાસેનાનીઓની ત્રીજી પેઢીને લાભ કેમ આપવામાં આવે. તેઓ સંપૂર્ણ રીતે યોગ્યતા આધારિત ભરતીની માંગણી કરી રહ્યા છે. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના આદેશને સસ્પેન્ડ કર્યા બાદ બાંગ્લાદેશમાં હાલ કોઈ અનામત સિસ્ટમ લાગૂ નથી. શેખ હસીના સરકારે 2018માં વિદ્યાર્થીઓના મોટા પાયે આંદોલન બાદ નોકરીઓમાં તમામ અનામતને રદ કરી હતી. 2018થી કોઈ કોટા નહતો. 


અરજીકર્તાઓનો એક સમૂહ 2021માં હાઈકોર્ટ ગયો અને સિવિલ સેવાઓમાં સ્વતંત્રતાસેનાનીઓ માટે 30 ટકા અનામતને પાછી મેળવવા માટે કેસ લડ્યા. ત્રણ વર્ષ સુધી આ મુદ્દે સુનાવણી બાદ હાઈકોર્ટે 1 જુલાઈના રોજ 30 ટકા અનામત કોટાને બહાલ કર્યો. હાઈકોર્ટના આ ચુકાદા બાદ તરત એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. 16 જુલાઈના રોજ એક અરજી દાખલ કરાઈ. રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે હાઈકોર્ટના આદેશને ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને કક્ષાઓમાં પાછા ફરવા કહ્યું અને એમ પણ કહ્યું કે ન્યાયાલય ચાર અઠવાડિયામાં નિર્ણય કરશે.