મોદી સરકારની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનને તેના ખાસ મિત્ર દેશે જ આપ્યો મોટો આંચકો
ચીને આખરે સ્વીકારી લીધુ કે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પાકિસ્તાનનો નહીં પરંતુ ભારતનો જ અભિન્ન ભાગ છે.
નવી દિલ્હી: ચીને આખરે સ્વીકારી લીધુ કે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) પાકિસ્તાનનો નહીં પરંતુ ભારતનો જ અભિન્ન ભાગ છે. એવું એટલા માટે કહેવાઈ રહ્યું છે કારણ કે 23 નવેમ્બરના રોજ ચીનની સરકારી ન્યૂઝ ચેનલ CGTN કરાચી દૂતાવાસ પર હુમલાનો એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલમાં પાકિસ્તાનના નક્શાને દેખાડ્યો હતો જેમાં ચીનની ચેનલે પીઓકેને ભારતનો ભાગ દર્શાવ્યો હતો. અત્રે જણાવવાનું કે CGTN ચીનની સરકારી ચેનલ છે અને આ ચેનલ પર એ જ અહેવાલો પ્રસારિત થાય છે જેને ચીનની સરકારની મંજૂરી હોય છે.
ચીનની પાકિસ્તાનને સીધેસીધે ચેતવણી
ચીન મામલાના જાણકારોનું કહેવું છે કે સ્પષ્ટરીતે આ બાબતને ચીનની પાકિસ્તાનની ચેતવણી માની શકાય છે. વિશેષજ્ઞોની વાત માનીએ તો ચીન આમ કરીને પાકિસ્તાનને ચેતવવા માંગે છે કે પાકિસ્તાનમાં ચીનના દૂતાવાસ પર જે હુમલો થયો તે ખોટુ હતું. આ સાથે જ ચીનના દૂતાવાસ પર કોઈ પણ પ્રકારનો આતંકી હુમલો સહન કરાશે નહીં. વિશેષજ્ઞોના અનુસાર આપણે આ બાબતને ભારત અને ચીનના મજબુત થતા સંબંધો તરીકે પણ જોઈ શકીએ છીએ.
ભારત શરૂઆતથી જ સીપેક પર કરી રહ્યું છે પ્રખર વિરોધ
આ ઘટનાને ભારતની એક મોટી જીત તરીકે પણ જોઈ શકાય છે. ભારત માટે આ ખુશ થવાની તક છે. અત્રે જણાવવાનું કે ચીને જો POKને ભારતની સરહદમાં દર્શાવ્યું છે તો કઈક સમજી વિચારીને જ કર્યુ હશે. નોંધનીય છે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપેક)માં ચીને ભારે ભરખમ રોકાણ કર્યું છે. આ બાજુ પીઓકેમાં સીપેક પર ભારત શરૂઆતથી વિરોધ કરી રહ્યું છે. આવામાં ભારતના સાથ વગર ચીન સીપેકમાં સફળ થવાના સપના જોઈ શકે નહીં. કહેવાય છે કે કદાચ આથી જ ચીને પીઓકેને ભારતનો ભાગ માની લીધો છે.
જી-20 શિખર સંમેલનમાં પીએમ મોદી અને જિનપિંગની થશે મુલાકાત
ડોકલામને છોડો તો છેલ્લા ચાર વર્ષમાં ભારત અને ચીન વચ્ચે કોઈ મોટો વિવાદ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અનેક અવસરો પર એકબીજા સાથે ઉષ્માભરી રીતે મુલાકાત કરી ચૂક્યા છે. 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલનારી જી-20 શિખર સંમેલનમાં બંને ફરીથી એકવાર મળવાના છે. આવામાં ચીન તરફથી આ મુદ્દો ભારત સાથે મજબુત થતા સંબંધોની આગામી કડી માની શકાય.