કાળુ નાણું: સ્વિટ્ઝરલેન્ડની સરકાર ભારતને બે કંપનીઓની માહિતી આપવા તૈયાર
બંને ભારતીય કંપનીમાંથી એક કંપની લિસ્ટેડ છે અને અનેક ઉલ્લંઘનોની બાબતે બજાર નિયમક સેબીની દેખરેખ હેઠળ આવી ચૂકી છે, જ્યારે બીજી કંપનીનો સંબંધ તમિલનાડુના કેટલાક નેતાઓ સાથે છે, ભારતને મળી મોટી સફળતા
નવી દિલ્હીઃ કાળા નાણા મુદ્દે અત્યંત સલામત સ્થળ તરીકે ગાણાતા સ્વિટ્ઝરલેન્ડે પોતાની છબી સુધારવાના પ્રયાસ શરૂ કર્યા છે. હવે, સ્વિટ્ઝરલેન્ડની સરકાર ભારતની બે કંપની અને ત્રણ વ્યક્તિ અંગે માહિતી આપવા માટે તૈયાર થઈ છે. આ કંપનીઓ અને વ્યક્તિઓ સામે ભારતમાં અનેક તપાસ ચાલી રહી છે. બંને ભારતીય કંપનીમાંથી એક કંપની લિસ્ટેડ છે અને અનેક ઉલ્લંઘનોની બાબતે બજાર નિયમક સેબીની દેખરેખ હેઠળ આવી ચૂકી છે, જ્યારે બીજી કંપનીનો સંબંધ તમિલનાડુના કેટલાક નેતાઓ સાથે છે.
સ્વિસ સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્વિટ્ઝરલેન્ડ સરકારનો સંઘીય કર વિભાગ ભારતની જિયોડેસિક લિમિટેડ અને આધી એન્ટરપ્રાઈઝિઝ પ્રાઈવેટ લિમિટે નામની બે કંપની અંગે કરવામાં આવેલી વિનંતી બાદ ભારતને 'વહીવટી મદદ' આપવા તૈયાર થઈ ગયો છે. જિયોડેસિક લિમિટે સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિ - પંકજ કુમાર ઓમકાર શ્રીવાસ્તવ, પ્રશાંત મુલેકર અને કિરણ કુલકર્ણી અંગે પણ આ વિભાગે ભારતને મદદ કરવા તૈયારી દર્શાવી છે.
સ્વિટ્ઝરલેન્ડની સરકારે બંને કંપની અને ત્રણેય વ્યક્તિ અંગે ભારતીય એજન્સીઓ દ્વારા માગવામાં આવેલી માહિતી અને મદદ સાથે સંકળાયેલા વિશેષ કારણોનો ખુલાસો કર્યો નથી. આ પ્રકારની 'વહિવટી મદદ'માં આર્થિક અને કરવેરા સંબંધિત ગોટાળા અંગે પુરાવા રજૂ કરવાના હોય છે અને બેન્ક ખાતા તથા અન્ય નાણાકિય આંકડા સાથે જોડાયેલી માહિતીનો સમાવેશ થાય છે.
સંબંધિત કંપનીઓ અને લોકો ભારતને વહીવટી મદદ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડના સંઘીય કર તંત્રના નિર્ણય સામે અરજી પણ દાખલ કરી શકે છે. નવી ટેક્નોલોજીનું સમાધાન ઉપલબ્ધ કરાવતી જિયોડેસિક લિમિટેની સ્થાપના 1982માં થઈ હતી. આ કંપનીની અત્યારે એક પણ વેબસાઈટ પણ નથી કે હજુ સુધી તેને લિસ્ટેડ કરાઈ નથી, કેમ કે શેર બજાર દ્વારા તેના શેરમાં વેપાર ઉપર પ્રતિબંધ લગાવાયેલો છે.
કંપની અને તેના નિર્દેશકોને સેબીની સાથે-સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની તપાસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
આધી એન્ટરપ્રાઈઝ લિમિટેની સ્થાપના ચેન્નઈમાં 2014માં થઈ હતી. કંપનીના રિયલ એસ્ટેટ અને અન્ય કારોબારમાં વધારો થયો હતો. જોકે, દાગી નેતાઓ અને કથિત મની લોન્ડરિંગમાં સામેલ હોવાને કારણે કંપનીની મુશ્કેલીઓ ઝડપથી શરૂ થઈ હતી.