બમાકો : માલીમાં એક સૈન્ય ચોકી પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાતાં ઓછામાં ઓછા 53 સૈનિક શહીદ થયા છે. સરકારે શનિવારે આ જાણકારી આપી છે. સમાચાર એજન્સી એફએના જણાવ્યા અનુસાર પશ્વિમ આફ્રિકી દેશમાં હુમલો શુક્રવારે સાંજે કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના સંચાર મંત્રી યાયા સંગારેએ ટ્વિટ કરી કહ્યું કે, આ વિસ્તારમાં મોકલાયેલ સૈન્ય બળને એક નાગરિક સહિત 54 લાશ મળી છે. ઉપરાંત 10 ઇજાગ્રસ્ત લોકો પણ મળ્યા છે. આ હુમલામાં ઘણી બિલ્ડીંગોને પણ નુકસાન પહોંચાડાયું છે. સંચાર મંત્રીએ કહ્યું કે, હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. સાથોસાથ લાશની ઓળખ પણ થઇ રહી છે. 


સૈન્ય સુત્રોએ આ અગાઉ જણાવ્યું હતું કે, આ હુમલામાં ઘણા લોકો ઘાયલ છે અને મોટી માત્રામાં નુકસાન થયું છે. હુમલા અંગે જણાવ્યું કે, ભારી માત્રામાં હથિયારોથી સજ્જ બંદૂકધારી મોટરબાઇક અને વાહનો દ્વારા અહીં આવ્યા હતા અને ત્રણ અલગ અલગ જગ્યાએ હુમલો કરાયો હતો. 



આ હુમલાની ભયાનકતા તીવ્ર હતી કે બચી ગયેલા સૈનિકો છેવટે ચોકી ખાલી કરવા મજબૂર બન્યા હતા. માલિયન આર્મ્ડ ફોર્સને આ વિસ્તારમાં સ્થિતિ કાબુમાં લેવા માટે લાંબો સમય લાગ્યો હતો.