8 પૌત્ર-પૌત્રી અને મોટો પરિવાર ધરાવતા આ દાદી આપશે 4 બાળકોને જન્મ
બ્રિટનની ટ્રેસી બ્રીટેન 50 વર્ષની ઉંમરે ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. આ વખતે તે ચાર બાળકોને એક સાથે જન્મ આપશે.
લંડન: બ્રિટનની ટ્રેસી બ્રીટેન 50 વર્ષની ઉંમરે ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. આ વખતે તે ચાર બાળકોને એક સાથે જન્મ આપશે. આ ઉંમરે તે પહેલીવાર માતા બનવા જઈ રહી છે તેવું નથી. તેના બાળકો અને પૌત્ર પૌત્રીઓ પણ છે. પરંતુ ટ્રેસીને આ ઉંમરે ફરી એકવાર માતા બનવું હતું, આથી તેણે આઈવીએફ ટેક્નોલોજીથી ફરી એકવાર માતા બનવાનું વિચાર્યું અને હવે તે ચાર બાળકોને જન્મ આપવા જઈ રહી છે. હાલ તે 25 અઠવાડિયાનો ગર્ભ ધરાવે છે. 32 અઠવાડિયા બાદ તે બાળકોને જન્મ આપશે.
ટ્રેસી જે બાળકોને જન્મ આપવા જઈ રહી છે તેમાં છોકરો છે અને બે છોકરીઓ ટ્વિન્સ છે. 32 અઠવાડિયા બાદ તે ઓપરેશન દ્વારા તેના બાળકોને જન્મ આપશે. આ સાથે જ ટ્રેસી બ્રિટનની સૌથી મોટી ઉંમરે માતા બનવાનો રેકોર્ડ પણ બનાવી લેશે. ટ્રેસીએ પોતાની સારવાર માટે સાઈપ્રસમાં લગભગ 6.56 લાખ (7000 પાઉન્ડ) રૂપિયા ખર્ચ કર્યો છે. ટ્રેસી આમ તો ત્રણ બાળકોની માતા છે પરંતુ તે મોટી ઉંમરે ફરીથી માતા બનવા માંગતી હતી. તેનું કહેવું છે કે તે દર વર્ષે આ અંગે વિચારતી હતી અને હવે તે 50 વર્ષની થઈ ગઈ છે તો ફરીથી માતા બનવા જઈ રહી છે. હવે તેનો પતિ સ્ટીફન અને તે ફરીથી ચાર બાળકોના માતા પિતા બનવા જઈ રહ્યાં છે.
પુત્રી સાથે ટ્રેસી (તસવીર સૌજન્ય-ફેસબુક)
ટ્રેસીના અગાઉથી જ 3 બાળકો અને 8 પૌત્ર પૌત્રીઓઓ છે. તેનું કહેવું છે કે લોકો શું કહેશે તેની ચિંતા તે કરતી નથી. આમ કરનારી તે પહેલી મહિલા કે છેલ્લી મહિલા નથી. ટ્રેસીનું કહેવું છે કે તે 50ની દેખાતી પણ નથી કે પોતાની જાતને 50 વર્ષની છે તેવું સમજતી પણ નથી. લોકોને જે કહેવું હોય તે કહે. જ્યારે તે તેમના ચાર સુંદર બાળકોને જોશે તો તેઓ પણ ખુશ થઈ જશે.
ટ્રેસીના પહેલા 3 બાળકોની ઉંમર 32, 31 અને 22 વર્ષ છે. તેના પહેલા પતિથી 2003માં ડિવોર્સ થયા હતાં. ત્યારબાદ બે વર્ષ પછી તેની મુલાકાત સ્ટીફન સાથે થઈ. સ્ટીફન સાથે મુલાકાતના એક વર્ષ બાદ તે પ્રેગ્નેન્ટ થઈ. પરંતુ ત્યારે તેણે એબોર્શન કરી નખાવ્યું. જો કે ત્યારબાદ ફરીથી બાળકો વિશે વિચાર્યું. હવે 50ની ઉંમરમાં તે ચાર બાળકોને જન્મ આપવા જઈ રહી છે. આ માટે તેણે માતા પાસેથી પૈસા લીધા અને સાઈપ્રસમાં આઈવીએફ ટેક્નોલોજીથી ગર્ભધારણ કર્યો.