બ્રિટિશ PM ઋષિ સુનકે સાંભળી રામકથા, બોલ્યા જય સીયારામ, કહ્યું- હું એક હિન્દુ તરીકે આવ્યો છું
PM Rishi Sunak Video: બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે મંગળવારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત રામકથામાં ભાગ લીધો. આ રામકથા કથાકાર મોરારીબાપુ કરી રહ્યા છે. આ અવસરે ઋષિ સુનકે કહ્યું કે તેઓ અહીં બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યા છે.
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે મંગળવારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આયોજિત રામકથામાં ભાગ લીધો. આ રામકથા કથાકાર મોરારીબાપુ કરી રહ્યા છે. આ અવસરે ઋષિ સુનકે કહ્યું કે તેઓ અહીં બ્રિટનના પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક હિન્દુ તરીકે આવ્યા છે. કાર્યક્રમમાં બોલતા સુનકે કહ્યું કે ભારતીય સ્વતંત્રતા દિવસના અવસરે આ કાર્યક્રમમાં હાજર રહેવું એ એક સન્માન છે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના માટે આસ્થા એક ખુબ જ અંગત વિષય છે, જે જીવનના દરેક પહેલુમાં તેમની મદદ કરે છે.
આ અવસરે બ્રિટિશ પીએમએ મોરારી બાપુને શાલ ઓઢાડી. ત્યારબાદ બાપુએ એ જ શાલ બ્રિટિશ પીએમને પાછી ઓઢાડી દીધી. આ ઉપરાંત મોરારી બાપુએ તેમને શિવલિંગ પણ ભેટ કર્યું.
મારી પાસે ગણેશજી
કાર્યક્રમ સ્થળના એક વીડિયોના બેકગ્રાઉન્ડમાં બનેલી હનુમાનજીની પ્રતિમાને જોતા ઋષિ સુનક જય સિયારામનો ઉદ્ઘોષ કરતા પણ જોવા મળી રહ્યા છે. સુનકે કહ્યું કે બાપુના બેકગ્રાઉન્ડમાં હનુમાનજીની સોનેરી રંગની પ્રતિમા છે. મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રિટમાં મારા ડેસ્ક ઉપર પણ સોનેરી રંગના ગણેશજી છે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ બાળપણમાં તેમના પાડોશમાં બનેલા મંદિરમાં તેમના ભાઈ બહેનો સાથે જતા હતા. ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન હંમેશા તેમના પ્રેરણા સ્ત્રોત રહેશે.
આરતીમાં પણ ભાગ લીધો
કાર્યક્રમમાં આયોજિત લોકોને સંબોધન કરતા ઋષિ સુનકે કહ્યું કે બાપુ જેના પર બોલે છે તે રામાયણને આજે અહીં યાદ કરી રહ્યો છું. આ સાથે જ ભગવત ગીતા અને હનુમાન ચાલીસા પણ. મારા માટે ભગવાન રામ હંમેશા સાહસની સાથે જીવનના પડકારોનો સામનો કરવા, વિનમ્રતાની સાથે શાસન કરવા અને નિસ્વાર્થ રીતે કામ કરવા માટે એક પ્રેરણાદાયક વ્યક્તિ રહેશે. ઋષિ સુનકે મંચ પર આરતીમાં પણ ભાગ લીધો. મોરારી બાપુએ તેમને જ્યોતિર્લિંગ રામકથા યાત્રાથી પવિત્ર ભેટ સ્વરૂપે સોમનાથ મંદિરથી લવાયેલું એક પવિત્ર શિવલિંગ ભેટ કર્યું.