કેનેડામાં ખાલિસ્તાની ચળવળ હજુ પણ ચાલુ છેઃ ટ્રૂડો સરકારનો રિપોર્ટ
કેનેડાને વ્યક્તિગ ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ છે. જેમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા ઈસ્લામિસ્ટ અને શિખ આતંકવાદીઓ (ખાલિસ્તાની) તરફથી સૌથી વધુ જોખમ રહેલું છે.
સિદ્ધાંત સિબલ/નવી દિલ્હીઃ તાજેતરમાં જ જાહેર સુરક્ષા અંગે કેનેડાની સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડા માટે સૌથી મોટું જોખમ હોવાનું જણાવાયું છે. કેનેડાની જાહેર સુરક્ષા અને કટોકટીની તૈયારી વિભાગના મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં દેશને ખાલિસ્તાની આતંકવાદીઓ તરફથી મોટું જોખમ હોવા છતાં પણ કેટલાક કેનેડિયન્સ ખાલિસ્તાની આતંકવાદીઓને ટેકો આપી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, "કેનેડાને વ્યક્તિગ ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ છે. જેમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા ઈસ્લામિસ્ટ અને શિખ આતંકવાદીઓ (ખાલિસ્તાની) તરફથી સૌથી વધુ જોખમ રહેલું છે."
1985માં એર ઈન્ડિયાના વિમાનમાં ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 331 લોકોનાં મોત થયા હતા, જેનું કાવતરું કેનેડામાં ઘડાયું હતું. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે જસ્ટીન ટ્રૂડો સરકાર અને ભારત સરકારના વિદેશ બાબતોના મંત્રાલય વચ્ચે ચાલી રહેલી દ્વીપક્ષીય વાટાઘાટોમાં ખાલિસ્તાનનો મુદ્દો ચર્ચાયો હતો.
રિપોર્ટમાં એ બાબત તરફ ધ્યાન દોરાયું છે કે, "કેટલાક કેનેડિયન્સ ખાલિસ્તાનીઓને સતત મદદ કરી રહ્યા છે." રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, "કેનેડાના કેટલાક નાગરિકો હજુ પણ શિખ (ખાલિસ્તાની) આતંકવાદી વિચારધારા અને ચળવળને સમર્થન કરી રહ્યા છે. આજે જ્યારે વિશ્વમાં આ ચળવળ દ્વારા થતા હુમલાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ આતંકવાદી વિચારધારા ધરાવતા જૂથ હજુ પણ અસ્તિત્વમાં છે."
VIDEO : અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોની 7 કલાકથી વધુ Spacewalk
રિપોર્ટમાં વધુ વિગતો આપતા જણાવાયું છે કે, "શિયા અને શીખ(ખાલિસ્તાની) આતંકવાદ કેનેડા માટે હંમેશાં જોખમી રહ્યો છે ત્યારે કેટલાક કેનેડિયન નાગરિકો આ અતિવાદી જૂથોને ટેકો આપી રહ્યા છે અને નાણાકીય મદદ પણ પૂરી પાડી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં બે શીખ સંસ્થાઓ- બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનને આતંકવાદ સાથે સંકળાયેલા માનવમાં આવી રહ્યા છે અને તેમને ક્રિમિનલ કોડ અંતર્ગત આતંકવાદી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવેલી છે.
કેનેડામાં રાષ્ટ્રીય આતંકવાદના જોખમનું ધોરણ મધ્યમ કક્ષાનું રહ્યું છે, જે ઓક્ટોબર 2014માં હતું. એટલે કે, દેશમાં ગમે ત્યારે હિંસક આતંકવાદી હુમલો થઈ શકે છે. આ વર્ષે કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રૂડોની ભારત મુલાકાત દરમિયાન પણ ખાલિસ્તાન આતંકવાદનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. કેમ કે, કેનેડાના વડા પ્રધાન સાથે જે પ્રતિનિધિ મંડળ આવ્યું હતું તેમાં જસપાલ અટવાલ નામની એક વ્યક્તિ પણ હતી, જેના ખાલિસ્તાની જૂથ સાથે તાર સંકળાયેલા હોવાનું મનાય છે અને તેના કારણે કેનેડાના વડા પ્રધાનના ભારત પ્રવાસ સામે આંગળી પણ ઉઠાવાઈ હતી.