વોશિંગટનઃ ચંદ્રના અંધારિયા અને અત્યંત ઠંડા એવા ધ્રુવ પ્રદેશોમાં જામી ગયેલા પાણીની હાજરી હોવાની બાબતને નાસાના વૈજ્ઞાનિકોએ સમર્થન આપ્યું છે. ભારત દ્વારા 10 વર્ષ પહેલાં જે ચંદ્રયાન-1 મોકલવામાં આવ્યું હતું તેની સાથે નાસાનું મૂન મિનરોલોજી મેપર સાધન પણ મોકલવામાં આવ્યું હતું. આ સાધન દ્વારા ચંદ્રની જે તસવીરો નાસાને પ્રાપ્ત થઈ છે તેમાં ચંદ્ર પર બરફ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચંદ્રની સપાટી પર ભરપૂર પ્રમાણમાં બરફ જામેલો છે. ભવિષ્યનાં ચંદ્ર અભિયાન અને ચંદ્ર પર રોકાવા માટે આ પાણી પુરતું છું. ચંદ્રની સપાટીની નીચે રહેલા પાણીને મેળવવું ઘણું જ સરળ થઈ પડશે. 


ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જે બરફ જામેલો છે તે મોટા-મોટા ખાડામાં જામેલો છે, જ્યારે ઉત્તર ધ્રુવમાં જે બરફ છે તે ઘણા બધા વિસ્તારમાં ફેલાયેલો છે. વૈજ્ઞાનિકોએ નાસાના "મૂન મિનરોલોજી મેપર(એમ3)" સાધન દ્વારા ચંદ્રની સપાટીની જે વિગતો અને તસવીરો મોકલવામાં આવી છે તેનો વિસ્તૃત અભ્યાસ હાથ ધરીને ચંદ્રની સપાટી પર પૂરતા પ્રમાણમાં પાણી અને બરફ હોવાનું શોધું કાઢ્યું છે. 


ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો) દ્વારા વર્ષ 2008માં ચંદ્રની સપાટી પર કઠણ બરફ હોવાની ખાતરી કરવા માટે જે ચંદ્રયાન-1 અવકાશયાન મોકલવામાં આવ્યું હતું તેની સાથે નાસાનું એમ3 સાધન પણ ચંદ્ર પર ઉતારવામાં આવ્યું હતું. 


તેણે જે માહિતી એકઠી કરી છે તેમાં માત્ર બરફ જ છે એવું જાણવા મળતું નથી, પરંતુ ઈન્ફ્રારેડ લાઈટ ફેંકીને એ પણ જાણી શકાય છે કે તે પ્રવાહી પાણી છે, વરાળ છે કે પછી નક્કર બરફ છે. હાલમાં ચંદ્રની સપાટી પર જે જગ્યાએ બરફ જોવા મળ્યો છે ત્યાં માઈનસ 156 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઊંચું તાપમાન ક્યારેય જતું નથી. 


ચંદ્રના એક તરફ ઢળેલા હોવાને કારણે તે તેની ધરી પર ખુબ જ ધીમી ગતિએ પરિભ્રમણ કરે છે અને આ કારણે આ વિસ્તારોમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો જ નથી. 


અગાઉના અભ્યાસમાં માત્ર ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર બરફ હોઈ શકે છે એવી સંભાવના જ વ્યક્ત કરાઈ હતી, પરંતુ હવે તાજેતરમાં જે નવી માહિતી પ્રાપ્ત થઈ છે તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચંદ્રની માટીમાં પણ બરફના થર જામેલા છે. 


હવે ચંદ્રની સપાટી પર આ બરફ કેવી રીતે જામ્યો અને ચંદ્રની સપાટી પર કેવા પ્રકારનું વાતાવરણ હશે એ જાણવું નાસા અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો માટે મુખ્ય વિષય હશે, કેમ કે તેઓ વહેલામાં વહેલી તકે ચંદ્ર પર માનવીને ઉતારવા માગે છે. 


નાસાની જેટ પ્રોપલ્ઝન લેબોરેટરીએ મૂન મિનરોલોજી મેપર સાધનની ડિઝાઈન બનાવી હતી અને આ સંપૂર્ણ પ્રોજેક્ટ પણ તેના નેતૃત્વમાં જ ચાલી રહ્યો હતો. 


ભારત દ્વારા મોકલવામાં આવેલા ચંદ્રયાન-1 અવકાશયાને 28 ઓગસ્ટ, 2009ના રોજ કેટલીક ટેક્નીકલ ખામીઓને કારણે રેડિયો સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દીધું હતું. તેના થોડા સમય બાદ ઈસરોએ ચંદ્ર અભિયાનને સમાપ્ત જાહેર કર્યું હતું. જોકે, બે વર્ષ દરમિયાન આ અવકાશયાને તેને જે હેતુ માટે મોકલવામાં આવ્યું હતું તેનું 95 ટકા કામ પુરું કરી લીધું હતું. 


વર્ષ 2016માં નાસાની રડાર સિસ્ટમે ચંદ્રયાન-1 અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં શોધી કાઢ્યું હતું. ત્યાર બાદ તેના પર સળંગ ત્રણ મહિના સુધી નજર રાખીને તેની વર્તમાન ભ્રમણકક્ષાને શોધી કાઢવામાં આવી હતી.