`ભારતીય કાર્યક્રમો અમારી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે, બતાવવાની મંજૂરી નહીં મળે`- PAK ચીફ જસ્ટિસ
પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે બુધવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાકિસ્તાની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમો દેખાડવાની મંજૂરી આપશે નહીં કારણ કે `તે આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે.`
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે બુધવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાકિસ્તાની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમો દેખાડવાની મંજૂરી આપશે નહીં કારણ કે "તે આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે."
હાઈકોર્ટનો ચુકાદો પલટી નાખ્યો!
ડોન અખબારના અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ નિસારે પાકિસ્તાનની ટીવી ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણ પર પાબંદીના હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા નિયામક પ્રાધિકરણ (પેમરા)ની અપીલ પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી. અખબારના અહેવાલ મુજબ પ્રાધિકરણના પ્રમુખ સલીમ બેગે કોર્ટને કહ્યું કે ફિલ્માઝિયા ચેનલ પર દેખાડવામાં આવતા 65 ટકા કાર્યક્રમ વિદેશી છે અને અનેકવાર તો આ આંકડો 80 ટકા સુધી પહોંચે છે.
ચેનલો દ્વારા કોઈ દુષ્પ્રચાર નહીં-વકીલ
આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે અમે (પાકિસ્તાની) ચેનલો પર ભારતીય કાર્યક્રમોના પ્રસારણની મંજૂરી આપીશું નહીં. પ્રાધિકરણના વકીલે ચીફ જસ્ટિસને કહ્યું કે ફિલ્માઝિયા કોઈ સમાચાર ચેનલ નથી પરંતુ મનોરંજન ચેનલ છે. તે કોઈ દુષ્પ્રચાર કરતી નથી. ચીફ જસ્ટિસે તેનો જવાબ આપ્યો કે જો કે તે આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે.
મામલાના તમામ પહેલુઓ પર વિચાર કરતા ચીફ જસ્ટિસે આ કેસની સુનાવણી ફેબ્રુઆરી સુધી ટાળી છે. જજની આ ટિપ્પણી બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનમાં બહુ જલદી ભારતીય ચેનલો પર પ્રતિબંધ લાગી શકે છે.
2016માં લગાવાયો હતો આ પ્રકારનો પ્રતિબંધ
આ અગાઉ 2016માં પેમરાએ સ્થાનિક ટેલિવિઝન અને એફએમ રેડિયો ચેનલો પર ભારતીય સામગ્રીને પ્રસારિત કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.