માલે: માલદીવમાં હાલમાં જ થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે. ચીનની આશાઓથી વિપરિત ત્યાં ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને જીત મળી છે. ચીનના સમર્થનવાળા અબ્દુલ્લા યાસીન ચૂંટણી હારી ગયા છે. આ પરિણામોથી ચીન એટલુ તે સ્તબ્ધ થઈ ગયું કે પહેલા બે દિવસ તો તે સોલિહને શુભેચ્છા પણ પાઠવી શક્યું નહીં. ત્યારબાદ તેમણે સોલિહને શુભેચ્છા પાઠવી. સોલિહને દુનિયામાં સૌથી પહેલા અભિનંદન પીએમ મોદીએ પાઠવ્યાં હતાં. વ્યુહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા આ દેશના નવા રાષ્ટ્રપતિને પીએમ મોદીએ તરત ભારત આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. ત્યારબાદ તેમણે સ્વીકાર્યું પણ હતું. હવે ચીને પણ માલદીવના નવા થનારા રાષ્ટ્રપતિને પોતાના તરફથી શુભેચ્છાઓ પાઠવીને ચીન આવવાનું આમંત્રણ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં ચીનના વિશેષજ્ઞોએ પણ હવે કહ્યું છે કે બંને દેશોએ મળીને માલદીવમાં કામ કરવું જોઈએ. ચીનના રાજદૂત ઝાંગ લિજોંગે શનિવારે મોહમ્મદ સોલિહ સાથે ઔપચારિક મુલાકાત કરીને તેમને ચીન આવવાનું આમંત્રણ આપ્યું. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ચીનના રાજદૂત અને માલદીવના થનારા રાષ્ટ્રપતિની મુલાકાતના મુખ્ય મુદ્દા એ હતાં કે ચીન આગળ કઈ રીતે માલદીવમાં પ્રોજેક્ટમાં ભાગીદારી ચાલુ રાખી શકે. જો કે સોલિહે સ્પષ્ટ કરી દીધુ કે હાલ માલદીવની પહેલી પ્રાથમિકતા લોકતંત્ર ફરીથી બહાલ કરવાની, માનવાધિકારની રક્ષા અને પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 


અત્રે જણાવવાનું કે અબ્દુલ્લા યમીનની હારથી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. તે ચીનના ચેલાની જેમ કામ કરી રહ્યાં હતાં. એટલે સુધી કે માલદીવની ચૂંટણીઓમાં ચીનનો હસ્તક્ષેપ વધી ગયો હતો. ચૂંટણી કેમ્પેઈનના સમયે પણ વિપક્ષી દળો તરફથી કહેવાયું હતું કે તેમની સરકાર બનશે તો ચીનના તમામ પ્રોજેક્ટનું ફરીથી પરીક્ષણ કરશે. જો કે હવે નવી બનનારી સરકાર તરફથી કહેવાયું છે કે તે એવા કોઈ પ્રોજેક્ટ બંધ કરશે નહીં જે સીધા જનતાના હિતો સાથે જોડાયેલા છે. 


ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું છે કે ચીન માલદીવમાં આપસી સહયોગની સાથે કામ કરશે. આ બાજુ ચીન વેસ્ટ નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે ભારત અને ચીને પ્રતિસ્પર્ધાની જગ્યાએ આપસી સહયોગથી કામ કરવું જોઈએ. શિંગચુઆનના જણાવ્યાં મુજબ માલદીવમાં બંને દેશો સાથે કામ કરે તો સારું રહેશે. સરકાર સંલગ્ન સૂત્રોએ જણાવ્યું કે સોલિહ ઈચ્છે તો પણ ચીનના બધા પ્રોજેક્ટ ખતમ કરી શકે નહીં. ભલે તેમનો ફાયદો ભારત સાથે જોડાયેલો હોય. માલદીવના બદલાયેલા હાલતને જોતા ચીન તરફથી હવે કહેવાઈ રહ્યું છે કે ચીન અને ભારત મળીને માલદીવના વિકાસમાં પૂરેપૂરું યોગદાન આપી શકે છે. આ અગાઉ યમીનના શાસનકાળમાં ભારતીય કંપનીઓને હાંસિયા પર ધકેલી દેવાઈ હતી. 


સોલિહ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થાય તેવી શક્યતા છે. તેમને આ માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.